ગ્રામીણ ભારતે પોતાના ગામડાઓએ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યા છેઃ મોદી
ગુજરાતના અમદાવાદમાં બાપુની 150મી જયંતી અને સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો
- સાબરમતીના આ પાવન તટથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સાદગી, સદાચારના પ્રતીક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને હું વંદન કરું છું, તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું.
- પૂજ્ય બાપુની 150મી જયંતીનો પાવન અવસર હોય, સ્વચ્છ ભારત અભિયાનનો આટલો મોટો મૂકામ હોય, શક્તિનું પર્વ નવરાત્રી પણ ચાલી રહ્યું હોય, ચારેબાજુ ગરબા ગુંજી રહ્યા હોય, આવો અદભુત સંયોગ ભાગ્યે જ જોવા મળે છે.
- બાપુની જયંતીનો ઉત્સવ તો આખી દુનિયામાં ઉજવાઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં સંયુક્ત રાષ્ટ્રે ટપાલ ટિકિટ બહાર પાડીને આ વિશેષ પ્રસંગને યાદગાર બનાવ્યો અને આજે અહિં પણ ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવ્યા છે.
- હું આજે પૂજ્ય બાપુની ધરતીથી, તેમના પ્રેરણા સ્થળ, સંકલ્પ સ્થળથી સમગ્ર દુનિયાને અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ આપું છું.
- અહિં આવતા પહેલાં હું સાબરમતી આશ્રમ ગયો હતો. મારા જીવનકાળમાં મને ત્યાં અનેક વખત જવાની તક મળી છે. દર વખતે મને ત્યાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં હોવાનો અહેસાસ થયો પરંતુ આજે મને અહિં એક નવી ઉર્જા મળી છે.
- આજે સાબરમતીનું આ પ્રેરક સ્થળ સ્વચ્છાગ્રહની એક મોટી સફળતાનું સાક્ષી બની રહ્યું છે, આ આપણા સૌના માટે ખુશી અને ગૌરવનો પ્રસંગ છે.
- આજે ગ્રામીણ ભારતે પોતાના ગામડાઓએ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યા છે. સ્વેચ્છાએ, સ્વપ્રેરણાથી અને જનભાગીદારીથી ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ છે અને સફળતાનો સ્રોત પણ છે.
- હું દરેક દેશવાશીઓને, ખાસ કરીને ગામડામાં રહેનારાઓને, આપણા સરપંચોને, તમામ સ્વચ્છાગ્રહીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જે સ્વચ્છાગ્રહીઓને અહિં સ્વચ્છ ભારતનો પુરસ્કાર મળ્યો છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
- જે પ્રકારે દેશની આઝાદી માટે બાપુના એક આહવાનથી લાખો ભારતવાસીઓ સત્યાગ્રહના માર્ગે નીકળી પડ્યા હતા તે પ્રકારે જ સ્વચ્છાગ્રહ માટે પણ કરોડો દેશવાસીઓએ ખુલ્લા દિલથી પોતાનો સહયોગ આપ્યો છે.
- 5 વર્ષ પહેલાં જ્યારે લાલ કિલ્લા પરથી મેં સ્વચ્છ ભારત માટે દેશવાસીઓને હાકલ કરી હતી, ત્યારે અમારી પાસે માત્ર જનવિશ્વાસ હતો અને બાપુનો અમર સંદેશો હતો. બાપુ કહેતા હતા કે દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે સૌપ્રથમ તમારામાં લાવવું પડશે. આ મંત્ર પર આગળ વધીને આપણે સૌ સાવરણો ઉઠાવીને નીકળી ગયા.
- ઉંમર ગમે તે હોય, સામાજિક અને આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, સ્વચ્છતા, ગરિમા અને સમ્માનના આ યજ્ઞમાં દરેકે પોતાનું યોગદાન આપ્યું છે.
- જે શૌચાલયની વાત કરવામાં પણ એક સમયે ખચકાટ થતો હતો, તે શૌચાલય આજે દેશની વિચારધારાનો મહત્વનો હિસ્સો બની ગયું છે.
- આજે આપણી સફળતાથી દુનિયા આશ્ચર્યચકિત છે. આજે આખી દુનિયા આપણને આના માટે પુરસ્કૃત કરી રહી છે, સમ્માન આપી રહી છે. 60 મહિનામાં 60 કરોડથી વધુ વસ્તીને શૌચાલયની સુવિધા આપવી, 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરવું, આ બધુ સાંભળીને દુનિયા આશ્ચર્યમાં છે.
- પરંતુ મારા માટે આ કોઈપણ આંકડા, કોઈપણ પ્રશંસા, કોઈપણ સમ્માનથી મોટો સંતોષ તો ત્યારે થાય જ્યારે હું દીકરીઓને કોઈપણ ચિંતા વગર શાળાએ જતી જોઉ છું.
- મને સંતોષ એ વાતનો છે કે, કરોડો માતાઓ, બહેનો હવે એક અસહ્ય પીડાથી, અંધારાની પ્રતિક્ષાથી મુક્ત થઈ ગઇ છે. મને સંતોષ એ વાતનો છે કે, એ લાખો માસૂમોનું જીવન બચી ગયું છે જેઓ ભીષણ બીમારીઓની ઝપેટમાં આવીને આપણને છોડી હતા હતા.
- મને સંતોષ એ વાતનો છે કે સ્વચ્છતાના કારણે ગરીબના, ઇલાજ પર થનારો ખર્ચ હવે ઓછો થયો છે. મને સંતોષ એ વાતનો છે કે આ અભિયાને ગ્રામીણ વિસ્તારો, આદિવાસી ક્ષેત્રોમાં લોકોને રોજગારીની નવી તકો આપી, બહેનોને પણ રાણી મિસ્ત્રી બનીને કામ કરવાની તક પૂરી પાડી.
- સ્વચ્છ ભારત અભિયાન જીવન રક્ષણમાં પણ સિદ્ધ થઇ રહ્યું છે અને જીવનનાં સ્તરને ઉપર લઇ જવાનું કામ પણ કરી રહ્યું છે. યુનિસેફના એક અનુમાન અનુસાર પાછલા વર્ષોમાં સ્વચ્છ અભિયાન થકી ભારતની અર્થવ્યવસ્થા પર 20 લાખ કરોડથી વધારાનો સકારાત્મક પ્રભાવ પડ્યો છે.
- તેના કારણે 75 લાખથી વધારે રોજગારીની તકો ભારતમાં સર્જાઈ છે, જેમાંથી મોટાભાગની રોજગારી ગામડાના ભાઇઓ-બહેનોને મળી છે. એટલું જ નહીં, તેના કારણે શિક્ષણના સ્તર પર, આપણી ઉત્પાદનશીલતા પર, ઉદ્યમસાહસિકતા પર સકારાત્મક અસર પડી છે.
- ગામડા, ગરીબ અને મહિલાઓના સ્વાવલંબન અને સશક્તીકરણને પ્રોત્સાહન આપનારું આવું જ મોડલ ગાંધીજી ઇચ્છતા હતા. આ બાબત જ ગાંધીજીના સ્વરાજ્યના મૂળમાં હતી, તેના માટે જ તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
- હવે સવાલ એ છે કે, શું આપણે જે પ્રાપ્ત કરી લીધું છે, તે શું પુરતું છે? તેનો જવાબ સીધો અને સ્પષ્ટ છે. આજે જે આપણે પ્રાપ્ત કર્યુ છે તે માત્ર એક મુકામ છે. સ્વચ્છ ભારત માટે આપણી સફર નિરંતર ચાલુ છે.
- અત્યારે આપણે શૌચાલયોનું નિર્માણ કર્યુ છે, શૌચાલયના ઉપયોગની આદત તરફ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. હવે આપણે દેશના એક મોટા વર્ગની વર્તણૂંકમાં આવેલા આ પરિવર્તનને સ્થાયી બનાવવાનું છે.
- સરકાર હોય, સ્થાનિક પ્રશાસન હોય, ગ્રામ પંચાયત હોય, આપણે તે સુનિશ્ચિત કરવાનું છે કે શૌચાલયનો યોગ્ય ઉપયોગ થાય. જે લોકો હજુ પણ તેનાથી દૂર છે, તેમને પણ એ સુવિધા સાથે જોડવાના છે.
- સરકારે હાલમાં જળ જીવન મિશન શરૂ કર્યુ છે, તેનાથી પણ તેને મદદ મળવાની છે.
- પોતાના ઘરમાં, પોતાના ગામમાં, પોતાની કોલોનીમાં વોટર રિચાર્જ માટે, વોટર રિસાઇકલિંગ માટે આપણે જે પણ પ્રયાસ કરી શકીએ, તે કરવા જોઇએ.
- સરકારે જળ જીવન મિશન પર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ દેશવાસીઓની સક્રિય ભાગીદારી વગર આ વિરાટ કાર્યને પૂર્ણ કરવું મુશ્કેલ છે.
- સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને જીવ સુરક્ષા આ ત્રણેય વિષય ગાંધીજીના પ્રિય હતા. પ્લાસ્ટિક આ ત્રણેય માટે ખૂબ જ મોટું જોખમ છે. આથી વર્ષ 2022 સુધીમાં દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે.
- છેલ્લા ત્રણ અઠવાડિયામાં સ્વચ્છતા જ સેવાના માધ્યમથી આખા દેશમાં આ અભિયાનને ખૂબ જ વેગ આપવામાં આવ્યો છે. મને કહેવામાં આવ્યું કે, અંદાજે 20 હજાર ટન પ્લાસ્ટિકનો કચરો આ સમય દરમિયાન એકત્ર કરવામાં આવ્યો છે.
- આ દરમિયાન એ પણ જોવા મળી રહ્યું છે કે પ્લાસ્ટિકની કૅરી બેગનો ઉપયોગ ખૂબ ઝડપથી ઘટી રહ્યો છે.
- મને એ પણ જાણકારી મળી છે કે આજે દેશભરમાં કરોડો લોકોએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ કર્યો છે.
- તેનાથી પર્યાવરણનું પણ ભલું થશે, આપણા શહેરોના માર્ગો અને ગટર બ્લોકેજની મોટી સમસ્યાનો ઉકેલ આવી જશે અને આપણા પશુધનની, દરિયાઇ જીવોની રક્ષા થશે.
- હું ફરી કહી રહ્યો છું કે, આપણા આ આંદોલનના મૂળમાં વ્યવહારમાં પરિવર્તન છે. આ પરિવર્તનની શરૂઆત પોતાનાથી થાય છે, સંવેદનાથી થાય છે. આજ શીખામણ આપણને, ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીના જીવનમાંથી મળે છે.
- દેશ જ્યારે ગંભીર ખાદ્ય સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે શાસ્ત્રીજીએ દેશવાસીઓને પોતાની ખાવાની આદતોમાં પરિવર્તન લાવવાનું આહવાન કર્યું હતું પરંતુ શરૂઆત પોતાના પરિવારથી કરી હતી.
- આજે સમગ્ર દુનિયા સ્વચ્છ ભારત અભિયાનના આપણા આ મોડેલમાંથી બોધપાઠ લેવા માંગે છે, તેને અપનાવવા માંગે છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકામાં જ્યારે ભારતને ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું તે ભારતની સફળતાથી આખી દુનિયા પરિચિત છે.
- મેં સંયુક્ત રાષ્ટ્રમાં પણ કહ્યું હતું કે, ભારત પોતાના અનુભવોનું બીજા દેશો સાથે આદાનપ્રદાન કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આજે, નાઇજિરિયા, ઇન્ડોનેશિયા અને માલી સરકારના પ્રતિનિધીઓ આપણી વચ્ચે છે. ભારતને તમારી સાથે સ્વચ્છતા માટે, સેનિટેશન માટે સહયોગ કરવામાં ખૂબ જ ખુશી થશે.
- ગાંધીજીએ સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વાવલંબનના વિચારોથી દેશને માર્ગ બતાવ્યો હતો. આજે આપણે તે માર્ગે ચાલીને સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં લાગી ગયા છીએ.
- પૂજ્ય બાપુ સ્વચ્છતાને સર્વોપરી માનતા હતા. સાચા સાધક તરીકે દેશનું ગ્રામીણ ક્ષેત્ર આજે તેમને સ્વચ્છ ભારતની કાર્યાંજલી આપી રહ્યું છે.
- ગાંધીજી સ્વાસ્થ્યને સાચું ધન માનતા હતા અને ઈચ્છતા હતા કે દેશનો દરેક નાગરિક તંદુરસ્ત હોય. આપણે યોગ દિવસ, આયુષ્યમાન ભારત, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા આ વિચારને દેશના વ્યવહારમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
- ગાંધીજી વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખતા હતા. હવે ભારત પોતાની નવી યોજનાઓ અને પર્યાવરણ માટે પ્રતિબદ્ધતાના માધ્યમથી દુનિયાને નવા પડકારો સામે લડવામાં મદદ કરી રહ્યું છે.
- બાપુનું સપનું આત્મનિર્ભર, આત્મવિશ્વાસથી પરિપૂર્ણ ભારતનું હતું. આજે આપણે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાથી આ સપનું સાકાર કરવામાં જોડાયેલા છીએ.
- ગાંધીજીનો સંકલ્પ હતો કે એક એવું ભારત હોય જ્યાં દરેક ગામ આત્મનિર્ભર હોય. આપણે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજના માધ્યમથી આ સંકલ્પને સિદ્ધિની તરફ આગળ લઇ જઇ રહ્યાં છીએ.
- ગાંધીજી સમાજમાં ઊભા રહેલા અંતિમ વ્યક્તિ માટે દરેક નિર્ણય લેવાની વાત કરતાં હતા. આપણે આજે ઉજ્જવલા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, સૌભાગ્ય યોજના, સ્વચ્છ ભારત જેવી યોજનાઓથી તેમના આ મંત્રને વ્યવસ્થાનો ભાગ બનાવી લીધો છે.
- પૂજ્ય બાપુએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના જીવનને સરળ બનાવવાની વાત કરી હતી. આપણે આધાર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ, ડિજી લોકર દ્વારા દેશવાસીઓના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
- આજ રાષ્ટ્રવાદની ભાવનાને લઇને આજે ભારત આગળ વધી રહ્યું છે, બાપૂના સપનાનું ભારત, નવું ભારત બની રહ્યું છે. બાપુના સપનાનું ભારત, જે સ્વચ્છ હશે, પર્યાવરણ સુરક્ષિત હશે. બાપુના સપનાનું ભારત, જ્યાં દરેક વ્યક્તિ સ્વસ્થ હશે, ફિટ હશે.
- બાપુના સપનાનું ભારત, જ્યાં દરેક માતા, દરેક બાળક પોષિત હશે. બાપુના સપનાનું ભારત, જ્યાં દરેક નાગરિક સુરક્ષાની લાગણી અનુભવશે. બાપુના સપનાનું ભારત, જે ભેદભાવથી મુક્ત, સદભાવ યુક્ત હશે.
- બાપુના સપનાનું ભારત, જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસના આદર્શ પર ચાલશે.
- બાપુના રાષ્ટ્રવાદના આ તમામ તત્વ સમગ્ર દુનિયા માટે આદર્શ સિદ્ધ હશે, પ્રેરણાનો સ્રોત બનશે.
- રાષ્ટ્રપિતાના મૂલ્યોને પ્રતિષ્ઠાપિત કરવા માટે, માનવતાના ભલા માટે, દરેક ભારતવાસી રાષ્ટ્રવાદના દરેક સંકલ્પને સિદ્ધ કરવાનો સંકલ્પ લે. હું આજે દેશને “એક વ્યક્તિ – એક સંકલ્પ”નો આગ્રહ કરું છું.
- દેશ માટે કોઇપણ સંકલ્પ લો, પરંતુ લો જરૂર. પોતાના કર્તવ્ય વિશે વિચારો, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી વિશે વિચારો, કર્તવ્ય પથ પર આગળ વધીને, 130 કરોડ પ્રયાસ, 130 કરોડ સંકલ્પોની તાકાત, દેશમાં ઘણુ બધુ કરી શકે છે.
- આજથી શરૂ કરીને, આગામી એક વર્ષ સુધી આપણે નિરંતર આ દિશામાં જ કામ કરવાનું છે. એક વર્ષ કામ કરીશું તો પછી તે આપણાં જીવનની દિશા બની જશે, આજ આપણી જીવનશૈલી બની જશે, આજ, એક કૃતજ્ઞ રાષ્ટ્રની બાપુને એક સાચી શ્રદ્ધાંજલી હશે.
- આજ આગ્રહ અને આજ શબ્દોની સાથે હું મારી વાત સમાપ્ત કરુ છું. ફરી એક વખત સંપૂર્ણ રાષ્ટ્રને એક ખૂબ જ મોટા સંકલ્પની સિદ્ધિ માટે ખૂબ-ખૂબ અભિનંદન.