ગ્રામ્ય કક્ષાનો શાળા પ્રવેશોત્સવ તારીખ ૧૩ અને ૧૪ જૂન અને શહેરી કક્ષાનો ૧૫ જૂનના રોજ યોજાશે
“પ્રાથમિક શિક્ષણ એ જીવન ઘડતરનો પાયો છે” – શિક્ષણમંત્રીશ્રી
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાંટેડ માધ્યમિક શાળાઓ અને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તાર માટે તારીખ ૧૩ અને ૧૪ જુન ૨૦૧૯ બે દિવસ અને શહેરી વિસ્તાર માટે તારીખ ૧૫ જુન ૨૦૧૯ એક દિવસ દરમિયાન યોજવામાં આવશે. આજે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવેની વિશેષ ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે શાળા પ્રવેશોત્સવ ૨૦૧૯ અતંર્ગત યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષણ સેવાકાર્યમાં જોડાવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ વર્ષ 2003થી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલો ત્યારથી આ મહાયજ્ઞ અવિરત ચાલતો આવ્યો છે. શરૂઆતના તબક્કામાં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75 ટકા હતો જે વર્ષ 2018 સુધીમાં ૧૦૦ ટકા થયો છે. અને વર્ષ 2009માં ગુણોત્સવ શરૂ થયો જેના પરિણામે આજે 10,000 થી વધુ શાળાઓ એ+ ગ્રેડ ધરાવે છે. તદુપરાંત ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે. બાળકો લખતા-વાંચતા શીખે એ માટે સંપૂર્ણ સમાજ, સરકાર અને શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ જોડાય તેવું મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું. શિક્ષણ વિભાગની જવાબદારી છે શિક્ષણ થકી ઉત્તમ વ્યક્તિત્વ ઘડવાની. આંગણવાડીથી માંડીને યુનિવર્સિટી સુધીનું ઉત્તમ શિક્ષણ આપીને માનવ ઘડતરનું કાર્ય શિક્ષક કરે છે. આ પ્રસંગે પ્રાથમીક શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવએ જણાવ્યુ હતું કે ગુજરાત મોડેલ એક કેસ સ્ટડી તરીકે માત્ર ભારતમાં જ નહી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપનાવી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે જ શાળામાં સંબંધિત ક્લસ્ટર નો રિવ્યૂ કરવામાં આવશે અને મુખ્ય શિક્ષકોએ તેમા ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓ સમક્ષ સંબંધિત સીઆરસી એ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે. જેમાં શાળાની વિગતો ચકાસવી જેવી કે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, ઓરડા, મેદાન, સેનીટેશન, પાણીની સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન વિદ્યા ,ધોરણ 2 નિદાન અને ઉપચારાત્મક કાર્યની વિગત, બાહ્ય મૂલ્યાંકન, ઓનલાઈન ડેટા, શિક્ષકોની હાજરીની વિગતો તપાસમાં આવશે.
શાળા પૂર્ણ થયા બાદ તેનું ફોલોઅપ લેવામાં આવશે. જેમાં મુખ્ય શિક્ષક દ્વારા નામાંકન થયેલા પરંતુ અનિયમિત હાજર રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાશે. વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે બાળકની ગેરહાજરી બાબતે શિક્ષક મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યોની મદદથી બાળકની હાજરી સુનિશ્ચિત કરાશે. શાળાએ હાજર રહે તેનું આયોજન પણ કરાશે.અનિયમિત બાળકોનું ફોલોઅપ કરવા વાર્ષિક એસ.એમ.સી.ની ત્રણ મિટિંગમાં સિસ્ટમ અને ત્રિમાસિક વાલી મીટીંગનું આયોજન પણ કરવાનું જ રહેશે. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, શિક્ષણ સંગઠનોના પ્રતિનિધિઓ, વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.