ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભટકવું પડતું હોવાની બૂમ
દિવાળી પર્વ બાદ અને હાલ ચાલી રહેલા લગ્નસરાની સીઝનના પગલે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે જીલ્લામાં સીવીલ હોસ્પિટલના અભાવે શંકાસ્પદ કોરોનાગ્રસ્ત અને કોરોના પોઝેટીવ દર્દીઓ માટે મોડાસા અને વાત્રાક ટ્રસ્ટની હોસ્પિટલમાં કોવીડ હોસ્પીટલ ઉભી કરવામાં આવી છે ભિલોડા પંથકમાં જીલ્લાનો સૌપ્રથમ કોરોનાના કેસ નોંધાયા પછી સતત કોરોનાનું સંક્રમણ યથાવત રહેતા સરકારી કોવીડ હોસ્પિટલમાં જગ્યાના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર કરાવવા મજબુર બન્યા છે
ત્યારે ભિલોડા ખાતે આવેલ કોટેજ હોસ્પિટલમાં અદ્યતન કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે જીલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીએ પણ જીલ્લા કલેક્ટરને પત્ર લખી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં કોવીડ હોસ્પિટલની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી
કોરોનાનું નામ સાંભળતાની સાથે ભલભલાના હાંજા ગગડી જાય છે અસહ્ય મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે કોરોના પોઝેટીવ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં લૂંટાઈ રહ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે ભિલોડા નગરમાં આવેલી કોટેજ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા સભર કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવે તે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશ
ભિલોડા તાલુકાના અનેક કોરોનાના લક્ષણો ધરાવતા અને કોરોનાથી સંક્રમિત બનેલા દર્દીઓ હિંમતનગર,અમદાવાદ,ગાંધીનગર સહીત અન્ય શહેરી વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બન્યા છે લોકો જીવ બચાવવા દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે ખાનગી હોસ્પિટલના તોતિંગ બીલો ભરી લોકો આર્થિક રીતે પાયમાલ બની રહ્યા છે ત્યારે ભિલોડા નગરમાં આવેલી કોટેજ હોસ્પિટલ સહીત જીલ્લાની અન્ય સીએચસી દવાખાનાઓમાં ખાનગી હોસ્પિટલોની જેમ કોવીડ વોર્ડ બનાવવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે