Western Times News

Gujarati News

ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે

રાજ્યભરમાં આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પાંચમાં પોષણ માસની ઉજવણી કરાશેઃ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ , “પોષણ ભી પઢાઈ ભી”, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંદીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ‘પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવશે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સથાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે.

મંત્રીશ્રીએ પોષણ માસની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ વર્ષ દરમિયાન પાંચમાં પોષણ માસ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ (Poshan Bhi Padhai Bhi), જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

મંત્રીશ્રીએ આ અભિયાનના ઉદ્દેશ્યો વિશે જણાવ્યું હતું કે, લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવી તેમજ તાલુકાનાં તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા સંપરામર્શ કરવાનો છે. આ ઉપરાંત જનસમુદાય સુધી પોષણ અને આરોગ્યનાં અર્થપૂર્ણ સંદેશાઓ પહોંચાડવામાં અને સરકારના “સુપોષિત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવામાં વિવિધ મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે  તા. ૦૮ માર્ચ, ૨૦૧૮ના રોજ ‘પોષણ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની અને માર્ચ મહિનામાં ‘પોષણ પખવાડીયા’ની ઉજવણી કરવામાં આવે છે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

*****


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.