ગ્રાહક સુરક્ષાના નામે ગોરખ ધંધા થાય છેઃ ચેરિટી કમિશનર
ગ્રાહક સુરક્ષાના નામે ૨૦૦ ટ્રસ્ટો ચાલે છે-મેમ્બર હ્યુમન રાઇટસ, મેમ્બર ગ્રાહક સુરક્ષા કાઉન્સીલ લખીને ફરતા તત્વો સામે પોલીસ પગલા ભરેઃ શુકલ
અમદાવાદ, ગ્રાહક સુરક્ષા જેવા ભળતા નામ ધરાવતી અમદાવાદમાં જ ૨૦૦ જેટલી સંસ્થાઓ નોંધાયયેલી છે.આમાં મોટાભાગની સંસ્થા દ્વા્રા સમાજની પ્રવૃત્તિ કરવાની જગ્યાએ સમાજમાં રોફ જમાવવા ઘણા લોકો પ્રયત્નો કરી રહ્યાનું ચેરિટી કમિશનર વાય.એમ.શુકલના ધ્યાને આવતા તેમને તાકીદની અસરથી આવી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
માનવ અધિકાર, માનવ સુરક્ષાના નામ રાખીને એકલા અમદાવાદમાં જ ૫૦ સંસ્થાઓ નોંધાયેલી છે અને પોતાની પ્રવૃત્તિઓ કરે છે. જ્યાં સુધી સમાજ સેવાની કાર્યવાહી થતી હોય ત્યાં સુધી ખૂબ જ આવકારદાયક છે પરંતુ આવા નામનો દુરુપયોગ થાય છે તે પણ હકીકત છે.
રસ્તે જતી ગાડીઓની નંબર પ્લેટ ઉપર મેમ્બર હ્યુમન રાઇટસ, મેમ્બર ગ્રાહક સુરક્ષા કાઉન્સીલ આવા હોદ્દાઓ લખી સમાજમાં રોફ જમાવવા ઘણા લોકો પ્રયત્નો કરે છે. જે આર.ટી.ઓ.ના કાયદાની પણ વિરુદ્ધ છે અને આવા નામનો દુરુપયોગ કરી કોઈ અધિકારી, સરકારી કચેરી કે અભણ વ્યક્તિઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આવી વ્યક્તિઓને સ્થળ ઉપર જ પોલીસ અધિકારીઓએ આવા હોદ્દાઓ તુરત દુર કરવા કાર્યવાહી કરવી જોઈએ.
પ્રિવેન્શન ઓફ યુઝ ઓફ નેઇમ્સ એન્ડ એમ્બ્લમ એક્ટ” હેઠળ પણ આવી સંસ્થાઓની નોંધણી ન થઈ શકે પરંતું આવી સંસ્થાઓ ચલાવનાર વ્યક્તિઓ નોંધણીના ઓથા હેઠળ સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરતાં હોય છે તેવું અનુભવને આધારે જણાઈ આવે છે. ચેરિટી કમિશનશ્રી વાય.એમ.શુક્લએ હૈયાવરાળ ઠાલવતા જણાવેલ છે કે ઉપર જણાવેલ બધી જ સંસ્થાઓ આ જાતની પ્રવૃત્તિ કરે છે એમ તેમનું કહેવું નથી
પરંતું ઘણી સંસ્થાની પ્રવૃત્તિ જોતા જણાઈ આવેલ છે કે આવી અસામાજીક પ્રવૃત્તિને હિસાબે સારી સંસ્થાઓની ઇમેજને પણ અસર કરે છે. અને લોકો આવી સારી સંસ્થાઓ સામે શંકાની નજરથી જુએ છે. જેથી તેને અટકાવવી જરૃરી છે આવા ભળતા નામવાળી તમામ સંસ્થાઓનું લીસ્ટ પોલીસ કમિશનરને મોકલી આપવામાં આવેલ છે અને જે વાહનો ઉપર “હ્યુમન રાઇટસ” “ગ્રાહક સુરક્ષા” આવા કોઈપણ નામો લખેલા હોય તેને પોલીસ કમિશનર તેમજ આર.ટી.ઓ.ના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી દૂર કરાવવાનું સૂચન કરેલ છે.
ચેરિટીતંત્રની કચેરીઓમાં પરિપત્ર બહાર પાડીને ગ્રાહક સુરક્ષા, માનવ અધિકાર, એન્ટીકરપ્શન અથવા સરકારશ્રીના વિભાગ, બોર્ડ કોર્પોરેશનને ભળતા નામથી નોંધવામાં આવેલ સંસ્થાઓ દ્વારા નોંધણી બાદ બંધારણ મુજબ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ફેરફાર થયેલ છે કે કેમ ટ્રસ્ટના હિસાબો નિયમિત રજૂ થાય છે કે કેમ, ટ્રસ્ટ વિરુદ્ધ કચેરીમાં કોઈ વાદ વિવાદ પડતર છે કે કેમ, ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ અરજી પડતર છે કે કેમ તેની ચકાસણી કરી જે તે સંસ્થા અંગે તાત્કાલિક અધિનિયમ અન્વયેની જોગવાઈ મુજબ કરવાપાત્ર તમામ કાર્યવાહી કરવા અને જરૃર જણાયે તેવી સંસ્થા રદ કરવા પાત્ર થતી હોય તો તે અંગે જરૃરી અહેવાલ કરવા જણાવવામાં આવે છે.
ગ્રાહક સુરક્ષાની બાબતો અંગે નોંધાયેલ ટ્રસ્ટોને નાયબ નિયામકશ્રી, ગ્રાહક સુરક્ષા, તોલમાપ ભવન, અમદાવાદનો અભિપ્રાય મેળવવાનો થતો હોવાથી આવી સંસ્થાઓ બાબતે સદર કચેરીને પણ તેવી સંસ્થાની પ્રવૃત્તિઓ બાબતે અહેવાલ કરવા આથી જણાવવામાં આવે છે.