Western Times News

Gujarati News

ગ્રીન કોરિડોર એટલે શું?: એક-એક સેકન્ડની ગણતરી કરી સંકલન

બ્રેઇનડેડ થયેલ વ્યક્તિના જયારે ફેફસા તેમજ હૃદય જેવા અંગો શરીરમાંથી કાઢ્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરીને બેસાડવા માટે નિયત ચારથી છ કલાકનો સમય અસરકારક રહે છે. જે માટે દર્દી સુધી પહોંચવા માટે પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પેશિયલ રૂટ નક્કી કરી એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે ૪૧ વર્ષના બ્રેઇનડેડ દર્દીના શરીર માંથી હૃદય કાઢી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓપરેશન થિયેટરથી લઈ લિફ્ટ સુધી ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર લીફ્ટમાંથી બહાર આવી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી આખો રસ્તો સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા માનવ સાંકળ બનાવી કોઈપણ જાતની અડચણ વિના એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યુ. ત્યારબાદ સ્થાનિક પોલીસની ગાડીઓ દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા દરમિયાન હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી તેમના માટે અલગથી આવવા જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.

આ તમામ વ્યવસ્થાના સંકલન માટે સિવિલ હોસ્પિટલ ના અધિકારી તેમજ સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા ખુબ જ ચોકસાઈ પૂર્વક સંકલન કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી.

બ્રેઇનડેડ દર્દિના હૃદયને પ્રત્યારોપણ માટે શરીરમાંથી કાઢ્યા બાદ ચારથી છ કલાકના સમયગાળામાં બીજા વ્યક્તિના શરીરમાં ઓપરેશન કરી બેસાડવું જરૂરી હોય છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન એક-એક સેકન્ડની ગણતરી કરી સંકલન કરવામાં આવતું હોય છે.

સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ દર્દીના હૃદય કાઢવા માટેનું ઓપરેશન તેમજ જે દર્દીમાં હૃદયનું પ્રત્યારોપણ કરવાનું હતું તે દર્દીનું પણ સામે સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન બીજી ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ. સમયની ગણતરી મુજબ સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન અમુક તબક્કામાં પહોંચ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિગ્નલ મળતા બ્રેઈનડેડ દર્દીના હૃદયને ક્લેમપ કરી બહાર કાઢવામાં આવ્યું .

ત્યારબાદ તેને સાચવવાની જરૂરી પ્રક્રિયા કરી બોક્સમાં પેક કરીને તંત્ર દ્વારા બનાવાયેલ ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યું. પોલીસ દ્વારા એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા દર્દીના ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી તે દર્દીના શરીરમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

આ સમગ્ર પ્રક્રિયા ગ્રીનકોરિડોરની મદદથી ફક્ત 10 મીનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મળી હતી. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.