ગ્રીષ્મા હત્યા કેસઃ ચુકાદા દરમ્યાન નિર્ભયા – કસાબ કેસનો ઉલ્લેખ
મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસ દ્વારા આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવતી વખતે બે વખત નિર્ભયા કેસનો અને એક વખત કસાબ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા આ બન્ને કેસની સાથે કોર્ટ દ્વારા અન્ય 10 મહત્વપૂર્ણ ચુકાદાને પણ ધ્યાને લેવામાં આવ્યા હતા.
નવી દિલ્હી ખાતે યુવતી પર આચરવામાં આવેલા જઘન્ય બળાત્કારના આરોપીઓ અને મુંબઈ પર આતંકવાદી હુમલામાં ઝડપાયેલા કસાબની માસનિકતા અને તેઓ દ્વારા આચરવામાં આવેલા ગંભીર ગુન્હાઈત કૃત્યનો ઉલ્લેખ સાથે આરોપી ફેનિલ ગોયાણીને અંતે ફાંસીની સજા અને પાંચ હજારના આર્થિક દંડની સજા ફરમાવવામાં આવી હતી.
ફેનિલ દ્વારા આચરવામાં આવેલ ગુન્હા પૈકી ઈ.પી.કો. 302માં ફાંસી, ઈપીકો 307માં 10 વર્ષની સખ્ત કેદ, ઈપીકો 354 (એ)માં એક વર્ષની કેદ અને ઈપીકો 506 (2)માં એક વર્ષની કેદ સાથે પાંચ હજારથી એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફેનિલને ફાંસીની સજાથી સંતોષઃ ગ્રીષ્માના પરિવારજનો
કોર્ટ રૂમમાં નામદાર મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસ દ્વારા ફેનિલને ફાંસીની સજા સંભળાવતા જ ગ્રીષ્મા વેકરિયાના પરિવારજનોના આંખોમાંથી ઝળઝળિયા વહેવા લાગ્યા હતા. માતા – ભાઈ અને કાકાની નજર સમક્ષ જ ઘાતકી હત્યા કરનાર નરાધમ ફેનિલને ફાંસીની સજા સાંભળતા જ પરિવારજનો દ્વારા આ ચુકાદાને વધાવી લેવામાં આવ્યો હતો.
ગ્રીષ્મા વેકરિયાની માતાએ ચોધાર આંસુએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. આ દરમ્યાન તેઓએ કોર્ટ કાર્યવાહી દરમ્યાન પોલીસ અને સરકારી વકીલ સહિત સહાય કરનાર તમામનો આભારે વ્યક્ત કર્યો હતો.
ભાઈ ધ્રુવ વેકરિયાએ પણ ચુકાદાને પગલે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકારનું ગંભીર દુષ્કૃત્ય કરવા માટે અન્ય કોઈ યુવક ન પ્રેરાય તે માટે ફાંસીની સજા ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ ગ્રીષ્મા વેકરિયાના કાકા સુભાષ વેકરિયાએ પણ જણાવ્યું હતું કે, અમારા પરિવાર દ્વારા જે પીડા સહન કરવામાં આવી છે તેવી પીડા અન્ય કોઈ સહન ન કરે તે માટે ફાસીની સજા ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.