ગ્રીષ્મા હત્યા કેસઃ દરેક વાલિયો વાલ્મીકિ ના બની શકેઃ સરકાર પક્ષ

ફાંસીની સજા સાંભળ્યા બાદ પણ આરોપી ફેનિલના ચહેરા પર પસ્તાવાનો કોઈ ભાવ જોવા ન મળ્યો
કોર્ટ રૂમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ચુકાદો સાંભળી ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા
(પ્રતિનિધિ) સુરત, સુરત જ નહીં સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને દોષી ઠેરવ્યા બાદ ગુરૂવાર તા. 05 મે, 2022ના રોજ મૃત્યુ દંડની સજા ફટકારી છે.
સ્પીડી ટ્રાયલના અંતે આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આરોપી દ્વારા ઘાતકી હત્યાને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં હોવાની સરકારી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને ફાંસીની સજાની સાથે પાંચ હજાર રૂપિયાના આર્થિક દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સખ્ત કેદનો આદેશ ફરમાવ્યો હતો.
બચાવ પક્ષની દલીલો ફેનિલને બચાવી ન શકી
આજે કોર્ટ કાર્યવાહી દરમ્યાન બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયા દ્વારા આરોપીના ભવિષ્યને ધ્યાને રાખીને સજામાં રહેમ રાખવાની માંગણી કરી હતી.
દુનિયાભરમાં ફાંસીની સજા અંગે ચાલી રહેલા મતમતાંતરનો ઉલ્લેખ કરવાની સાથે આરોપી પક્ષના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટના 2002માં મીઠ્ઠુસિંહ વર્સિસ સ્સેટ ઓફ પંજાબના કેસમાં ફાસીની સજાને ગેરબંધારણીય ગણાવી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, બચાવ પક્ષ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં મીડિયા ટ્રાયલ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ ગંભીર ભૂલો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આરોપી ફેનિલ ગોયાણીની નાની ઉંમર અને ભવિષ્યને ધ્યાને રાખીને પણ બચાવ પક્ષના વકીલો દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ઓછી સજાની માગ કરવામાં આવી હતી.
દરેક વાલિયો વાલ્મીકિ ના બની શકેઃ સરકાર પક્ષ
કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને દોષી ઠેરવવામાં આવ્યા બાદ આજે વધુ એક વખત સરકારી પક્ષના વકીલ નયન સુખડવાલા દ્વારા નરાધમને ફાસીની સજાની માગ કરવામાં આવી હતી. આ સંદર્ભે સરકારી વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં માછીસિંગ – બચ્ચનસિંગના કેસનો ઉલ્લેખ કરવાની સાથે ઉચ્ચત્તમ અદાલતોના અલગ – અલગ 20 જજમેન્ટ રજુ કરવામાં આવ્યા હતા.
વધુમાં, સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી ફેનિલ દ્વારા ખુબ જ ક્રુર માનસિકતા સાથે પ્રોફેનશલ કિલરની જેમ જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યોછે. આરોપી દ્વારા જે ગુનો આચરવામાં આવ્યો છે તેને પગલે તેની નાની વયન નહીં પરંતુ ગ્રેવીટી ઓફ ઓફેન્સને ધ્યાને રાખવા પણ કોર્ટને અપીલ કરી હતી.
રજુઆત દરમ્યાન નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, જો આરોપીને મહત્તમ સજાને બદલે હળવાશભર્યું વલણ દાખવવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશ જશે.
કોર્ટે ઈન્ટરનેટના વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર મુક્યો
છેલ્લા ઘણા સમયથી દેશમાં જે રીતે યુવાઓ ઈન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. આજની પેઢીએ ઈન્ટરનેટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તે સંદર્ભેની ટિપ્પણી પણ મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
તેઓએ ચુકાદા દરમ્યાન જણાવ્યું હતું કે, હિંસાત્મક વેબસિરીઝ અને વીડિયો ગેમ આજના યુવાધનને ગેરમાર્ગે દોરી રહી છે. દરેક સિક્કાની જેમ બે બાજુ હોય છે તેમ ઈન્ટરનેટનો વિવેકપૂર્ણ ઉપયોગ આજના સમયની તાતી જરૂરિયાત છે. બેફામ હિંસા અને અશ્લીલતા પીરસતી વેબસિરીઝો અને વીડિયો ગેમ પર અંકુશ મુકવામાં આવે તે પણ સભ્ય સમાજ માટે ખુબ જ જરૂરી છે.
ફેનિલની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં ચાર્જશીટ
પાસોદરાના લક્ષ્મીધામ સોસાયટીમાં 12મી ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા છ કલાકના સુમારે આરોપી ફેનિલ ગોયાણી દ્વારા એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી નાખી ઘાતકી હત્યા કરવાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત રેન્જના એ.ડી.જી.પી. ડો. એસપી રાજકુમાર પાંડિયન દ્વારા તાત્કાલિક એક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
જેમાં પોલીસ અધિકારી બી.કે. વનાર સહિત સુરત ગ્રામ્ય એએસપી વિશાખા જૈન સહિત સાત અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એસ.આઈ.ટી.ની ટીમ દ્વારા માત્ર બે દિવસમાં જ ફેનિલ ગોયાણીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં 2500 પાનાનું ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.
જેમાં ઓરલ, ડોક્યુમેન્ટરી, સાયંટીફિક, કોરોબ્રેટીવ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુનાની ટ્રાયલ દરમ્યાન કુલ 105 સાક્ષીઓને પણ તપાસવામાં આવ્યા હતા અને આજે સુનાવણીના અંતે હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
મનુસ્મૃતિના સાતમા અધ્યાયના શ્લોકનો ઉલ્લેખ
છેલ્લા 70 દિવસથી સુરત સહિત સમગ્ર રાજ્યના સભ્ય સમાજની જે ચુકાદા પર નજર હતી તે ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે ચુકાદા પૂર્વે મનુસ્મૃતિના સાતમા અધ્યાયમાં વર્ણવવામાં આવેલા શ્લોક यत्र श्यामो लोहिताक्षो दण्डश्चरति पापहा। प्रजास्तत्र न मुह्यन्ति नेता चेत्साधु पश्यति॥ નો ઉલ્લેખ કર્યો હતો.
જેનો ભાવાનુવાદ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં શ્યામ રંગ – લાલ આંખો અને પાપનો નાશ કરનાર (પાપીઓ) દંડ ફરે છે અને જ્યાં નિયમનું પાલન કરનાર વ્યક્ત સાચા – ખોટાનો વિચાર કરીને શિક્ષા કરે છે ત્યાં પ્રજા પરેશાન કે વિચલિત થતી નથી.