ગ્રીષ્મા હત્યા કેસઃ ફેનિલને ૧૬ એપ્રિલે સજા સંભળાવશે કોર્ટઃ બંને પક્ષની દલીલો પૂર્ણ
સુરત, સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ છે. બન્ને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ છે, જેથી સંભવતઃ આ કેસમાં ચુકાદો કોર્ટ આગામી 16 એપ્રિલના રોજ જાહેર કરે એવી શક્યતા સેવવામાં આવી રહી છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે, જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. બીજી તરફ બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરી હતી, જેમાં ફેનિલને ફસાવવા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ હતી.
હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ 16મી એપ્રિલે જાહેર કરવામાં આવશે.