ગ્રીષ્મા હત્યા કેસ: ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Grishma.jpg)
સુરત, સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે આજે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપી ફેનિલને સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયો.
ત્યાર બાદ ગ્રીષ્માના ઘર સામે ઘટનાસ્થળે લઈ જવાયો હતો, જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય એ રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ ફરીથી કરી બતાવ્યું હતું.
ફેનિલને આજે પોલીસના ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એસઆઈટીની ટીમની હાજરીમાં ઘટનાસ્થળે લઈ જવાયો હતો. ગ્રીષ્માના ઘર સામે હત્યાનું રિકન્સ્ટ્રક્શન ફેનિલે કરી બતાવ્યું હતું.
પોલીસને ફેનિલે કહ્યું કે આ રીતે મેં ગ્રીષ્માને ખેંચીને ગળે ચપ્પુ રાખ્યું અને બાદમાં તેનું ગળું કાપી નાખીને પોતે પણ હાથે ચપ્પુ ક્યાં જઈને માર્યું એ સમગ્ર જગ્યા ફેનિલે બતાવી હતી. આજે હાથમાં પાટા સાથે લવાયેલો ફેનિલ લંગડાતાં લંગડાતાં ચાલી રહ્યો હતો
પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન હત્યાનો આરોપી ફેનિલ માથે કાળ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે યોજનાપૂર્વક હત્યા કરવાનું નક્કી કરાયું હોય એમ ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યું, મારે તેને મળવું છે, બહાર લઈને આવ.
જોકે ગ્રીષ્માની સહેલીએ કહ્યું હતું કે તે ક્લાસમાં છે, એટલે મળી શકશે નહિ. બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી, જેથી કોલેજમાં તે બચી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે રિકન્સ્ટ્રકશન દરમિયાન ફેનિલને કોલેજ કેમ્પસ પણ લઈ જવામાં આવશે.
હોસ્પિટલમાંથી ફેનિલ ડિસ્ચાર્જ થતાં જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે, જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.