ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો ગુજરાત સાથે મજબૂત નાતો

ગાંધીધામ, CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત ૧૩ની તમિલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા આખો દેશ આઘાતમાં છે. આ દૂર્ઘટનામાં એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ જીવિત છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમનો ગુજરાત સાથે ઘેરો સંબંધ સામે આવ્યો છે.
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહે ગાંધીધામમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. જેના કારણે હાલ ગાંધીધામમાં તેમના પરિચિતો તેમના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વાયુસેનાના ગૃપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે દાઝી જતા હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તેમના પિતા કે.પી. સિંહ ૫૦ એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા, જેમનું ૧૯૯૫માં ગાંધીધામ ટ્રાન્સફર થયું હતું. તે દરમિયાન તેમના પુત્ર વરુણ સિંહ સહિત પરિવાર ગાંધીધામના તે સમયે મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના ક્વાટરમાં રહેતા હતા.
વરુણ સિંહે પોતાના વિધાર્થી કાળમાં ધો. ૭,૮,૯ની શિક્ષા ઈફ્કો કોલોનીમાં સ્થિત કેન્દ્રીય વિધાલયમાં મેળવી હતી. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ અનુભવી પાયલટ હોવાની સાથે શૌર્ય ચક્રથી સન્માનિત છે. વરૂણ સિંહને આ ચક્ર એલસીએ તેજસની ઉડાન દરમિયાન સામે આવેલી ઇમરજન્સી સ્થિતિમાં પોતાને સાવધાની પૂર્વક અને સકુશળ બચાવવા માટે આપવામાં આવ્યું હતું. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦માં તેઓ તેજસ પર એકલા જ ઉડાન ભરી રહ્યા હતા.
આ દરમિયાન વિમાનમાં ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા લાઇફ સપોર્ટ સિસ્ટમ ખરાબ થઇ ગઇ હતી. એરબેઝથી દૂર અને ઊંચાઇ પર કાકપિટનું પ્રેશર આવવાથી સતત વણસી રહેલી સ્થિતિમાં તેઓએ ટેક્નિકલ ખામી શોધી કાઢી અને વિમાન પર કાબૂ મેળવ્યો હતો.
૧૦ હજાર ફૂટની ઊંચાઇએ વિમાનમાં ફરી ખામી સર્જાઇ અને વિમાન સતત નીચે જઇ રહ્યું હતું. ત્યારે તેમની પાસે એક જ વિકલ્પ હતો વિમાનમાંથી નીચે કૂદી જાય નહીં તો ખામીને ઠીક કરે. તેમણે ફરી વિમાન પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો અને તેમા તેઓ સફળ રહ્યા. તે બાદ તેમણે વિમાનને સુરક્ષિત જમીન પર લેન્ડ કરાવ્યું હતું.SSS