ગ્રેજ્યુઈટીની ચુકવણી નહીં કરતા VLCC હેલ્થ કેર સામે ગુનો દાખલ કરાશે
(એજન્સી) ગાંધીનગર, શ્રમ અને રોજગાર મંત્રાલય વિભાગ દ્વારા વીએલસીસી હેઠળ હેલ્થ કેર એન્ડ વેલનેસ સેન્ટર સામે ગ્રેજ્યુઈટીની ચુકવણી નહીં કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા દ્વારા વીએલસીસી સેન્ટર (બાલેશ્વર સ્ક્વેર, એસ.જી.હાઈવે,અમદાવાદ ) સામે કર્મચારીઓને ગ્રેજ્યુઈટીની ચુકવણી નહીં કરવા બદલે કાયદાકીય કાર્યવાહી કરી ગુનો દાખલ કરવાની સુચના અપાઈ છે. વિભાગને કંપનીના કર્મચારીઓ તરફથી ગ્રેજ્યુઈટીની ચુકવણી ન થતી હોવાની ફરીયાદો મળી હતી. કાયદા અનુસાર કર્મચારીઓ તેમના હક્કદાર છે.
વીએલસીસી હેલ્થકેર એન્ડ વેલનેસ સેન્ટરને શો કોઝ નોટીસ આપીને શ્રમ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવતા ચુકવણી લંબાવી દેવામાં આવી હોવાનું કે ચુકવણી જ નહીં કરાઈ હોવાની જાણકારી મળી હતી. આવી બેદરકારી બદલ કાયદા મુજબ ત્રણ મહિનાથી એક વર્ષ સુધીની સજા અથવા દંડ થઈ શકે છે.
અગાઉ પણ શ્રમ વિભાગ દ્વારા ઓક્ટોબર ડીસેમ્બરમાં અમદાવાદ, સુરત સહિત અન્ય જીલ્લાઓની કંપનીઓ કટારીયા ઓટોમોબાઈલ અમદાવાદ, ટીમલઝ-એલ એન્ડ ટી રાજકોટ, ડી.જી.નાકરાણી જીએમઈ આરએસ હોસ્પીટલ-વડોદરા, એકતા પ્રિન્ટર્સ પ્રાઈવેટ લીમીટેડ-સુરત અને ક્રિએટીવ ટેક્ષ મિલ્સ પ્રાઈવેટ લીમીટેડ વલસાડ જેવી આઠ કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.