ગ્રેડ પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચનાઃ ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી થશે
ગાંધીનગર, ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરાઈ છે. આ કમિટીના અધ્યક્ષ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી ત્વરિત રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે. દરેકની રજૂઆત સાંભળવામાં આવશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે. સોશિયલ મીડિયમાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે.
રાજ્ય પોલીસ ગ્રેડ-પે આંદોલન અનિશ્ચિત કાળ માટે સમેટાયું હતું. બે દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શરૂ થયેલા પોલીસ પરિવારના આંદોલનમાં સરકાર સાથેની મંત્રણામાં કોઈ ફળદાયી નિરાકરણ નહીં આવતાં છેલ્લે સમજાવટથી પડાવ ઉઠાવી લેવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાબાનાં તેમજ અન્ય જીલ્લાના અધિકારીઓ સાથે છાવણી પર મોરચો સંભાળી લેવામાં આવ્યો છે.
ગ્રેડ-પેના મુદ્દે પોલીસ અને પોલીસ પરિવારો હવે આકરા પાણીએ છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે ગઈકાલે તા. 27 ઓક્ટોબરની મોડી રાત સુધી પોલીસ પરિવારોનું આંદોલન ચાલી રહ્યું હતું. પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે વધારવા અને યુનિયન બનાવવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું હતું.
જેના પડઘા મોડી રાત્રે પણ પડ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓએ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે રાત્રી દરમિયાન પણ વિરોધ થતો જોઇને ઉચ્ચ અધિકારીઓની ઊંઘ હરામ થઇ ગઈ હતી અને મોડી રાત્રે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાદમાં આંદોલનકારીઓને ઘરે મોકલી દેવાયા હતા.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ-પે આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે અમુક પોલીસ પરિવારોએ આંદોલન ચાલુ રાખ્યું હતું.