ગ્રેડ-પેમાં કોઈ સુધારો નહીં થતા ડીસામાં સબજેલની સામે પોલીસકર્મીના ધરણા
ડીસા, ડીસા ઉત્તર પોલીસ ખાતે ગુરુવારે ગ્રે-પેની માંગ સાથે એક પોલીસકર્મી ધરણા ઉપર બેઠા હતા. જાેકે લાંબા સમયથી પોલીસને ગ્રેડ-પે બાબતે અવારનવાર રજુઆત પણ થઈ છે છતાં કશું નહીં થતા ગુરુવારે ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતા અશોકભાઈ દેસાઈ મામલતદાર કચેરી નજીક સબ જેલ આગળ ધરણા ઉપર બેસી ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદ સસ્પેન્ડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિલમબેન સાથે થયેલા અન્યાયને લઈને તેમના સમર્થન કરી તેઓ ધરણાં પર બેઠા છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની પણ વાત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પે અંગે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે પરંતુ તેમની માગણી સંતોષવામાં આવી નથી. ગાંધીનગરમાં આંદોલન કર્યુ ત્યારે પણ તેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યું હતું.
પોલીસ કર્મીઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તન કરવાના બદલે તેઓએ જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ કોન્સ્ટેબલ ધરણાં પર બેઠા તેમાં તેની સામે કડક પગલાંની ચીમકી પણ આપી દેવામાં આવી છે, આ ક્યાંનો ન્યાય ?