Western Times News

Gujarati News

ગ્લુકોઝની બોટલમાં પ્રેમીએ જ સાઈનાઈડ લિવ ઈનમાં રહેતી મહિલાની હત્યાનો કેસ

અંકલેશ્વરના મોતાલીમાં રહેતો જીગ્નેશ પટેલ સારંગપુરની ૩૪ વર્ષીય ઉર્મિલાબેન સાથે ૮ વર્ષથી લિવ-ઈનમાં રહેતો હતો

અંકલેશ્વર,  અહીં મોતાલી ગામે લિવ ઈનમાં રહેતી એક મહિલાને ચઢાવેલી ગ્લૂકોઝની બોટલમાં યુવકે સાઈનાઈડ નાખીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિના બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકે ગ્લુકોઝની બોટલમાં સાઈનાઈડ આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

હવે આ કેસમાં પોલીસે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તે યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામમાં રહેતો જીગ્નેશ પટેલ સારંગપુરની ૩૪ વર્ષીય ઉર્મિલાબેન વસાવાની સાથે ૮ વર્ષથી લિવ-ઈનમાં રહેતો હતો.

દરમિયાન ગત મહિને જીગ્નેશ પટેલે મહિલાના ભાઇ વિજય વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે, તમારી બહેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. બાદમાં આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જાેકે ડૉક્ટર્સે કરેલા તમામ રિપોર્ટ્‌સ નોર્મલ આવ્યા હતા.

દરમિયાન અચાનક ફરી ઉર્મિલાબેનની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમનું મોત થયું હતું.વધુ મળતી માહિતી મુજબ, આ મહિલાનું અચાનક મોત થતાં ડૉક્ટર્સને શંકા ગઈ હતી. હોસ્પિટલ આવેલ મૃતક મહિલાના ભાઈએ હોસ્પિટલના ડૉક્ટરને પૂછ્યું હતું કે બધું નોર્મલ હોવા છતાં કેમ મોત થયું?

આ અંગે હોસ્પિટલના ડૉક્ટર્સે જીગ્નેશ પટેલની પૂછપરછ કરતા તેણે ઈન્જેક્શન દ્વારા સાઈનાઈડ બોટલમાં નાખતો હોવાની કબૂલાત કરી હતી. જીગ્નેશ પટેલે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડતા મહિલાના ભાઈને શંકા વધુ મજબૂત થતા તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

રિપોર્ટ આવતા ઉર્મિલાબેનનું મોત સાઈનાઇડથી થયું હોવાનું બહાર આવતા શહેર પોલીસે મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદના આધારે જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે જીગ્નેશની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક ઉર્મિલાના ભાઇએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જિજ્ઞેશે ડૉક્ટર સમક્ષ બોટલમાં સાઇનાઇડનું ઇન્જેક્શન માર્યું હોવાનું કબલ્યું હતું. પ્રાથમિક તબક્કે સાઇનાઇડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. જાેકે, હાલમાં એફએસએલના ફાઇનલ રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે.  જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઉર્મિલાબેનમાં પ્રથમ લગ્ન રાજપીપળા ખાતે શુક્લભાઈ સાથે થયા હતા. જે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી ઉર્મિલાબેન તેના દીકરા અને દીકરી સાથે પિયર સારંગપુરમાં પરત આવીને રહેતા હતા. જ્યાં તેમને જીગ્નેશ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને બાળકો તેમના પિયરમાં જ રહેતા હતા.

જાેકે, જીગ્નેશ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. મહિલાની હત્યા માટે જીગ્નેશ પટેલને અન્ય મહિલા સાથેના સંબંધો જવાબદાર હોવાની પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.