Western Times News

Gujarati News

ગ્લેમર અને ઝાકઝમાળથી દૂર રહીને સાદું જીવન જીવતા હતા KK

મુંબઈ, હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે પલ, માત્ર આ જ નહીં, આના જેવા બીજા અનેક સુંદર ગીતો જ્યારે પણ કાને પડશે ત્યારે સિંગર કેકેનો હસતો ચહેરો આંખો આગળ તરી આવશે. હજી તો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ચિતાની આગ ઠંડી પણ નહોતી પડી અને કેકેના નિધનના સમાચાર સામે આવ્યા.

૩૧મી મેની રાત્રે દેશભરમાં કેકેના મૃત્યુના સમાચારે ચકચાર મચાવી દીધી. લોકો માટે આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. તેઓ કલકત્તામાં એક કન્સર્ટ દરમિયાન પર્ફોર્મ કરી રહ્યા હતા અને એકાએક તેમની તબિયત ખરાબ થઈ ગઈ. હોસ્પિટલ લઈ ગયા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

હજી સુધી તેમના મોતનું કારણ સામે નથી આવી શક્યુ પરંતુ પ્રાથમિક જાણકારી અનુસાર તેઓ હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા હતા. KK એટલે કે કૃષ્ણકુમાર કુન્નથ અત્યંત સાદું જીવન જીવતા હતા. તેઓ ધુમ્રપાન પણ નહોતા કરતા અને દારૂ પણ નહોતા પીતા.

આટલુ જ નહીં, મીડિયા અને ગ્લેમર વાળા જીવનથી તેઓ હંમેશા દૂર રહેવાનું પસંદ કરતા હતા. ભાગ્યે જ કોઈ વિવાદમાં તેમનું નામ સામે આવ્યું હશે.

તેમના ગીતો દરેક પેઢીના લોકો પસંદ કરે છે. આટલું સરળ અને સાદું જીવન જીવનાર માણસ એકાએક દુનિયા છોડીને જતા રહેતા તેમના ફેન્સ, ઈન્ડસ્ટ્રીના લોકો અને ચોક્કસપણે તેમનો પરિવાર શોકાતૂર છે. કેકેનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૬૮માં થયો હતો, તેઓ દિલ્હીમાં મોટા થયા હતા.

દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો અને પછી કિરોડીમલ કોલેજમાં અભ્યાસ કર્યા પછી છ મહિના સુધી એક માર્કેટિંગ એક્ઝિક્યુટીવ તરીકે કામ કર્યું.

ત્યારપછી ૧૯૯૪માં તે મુંબઈ આવી ગયા હતા. બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા તેમણે લગભગ ૩૫૦૦ જિંગલ ગાયા હતા. તે Lesle Lewisને પોતાના મેન્ટર માનતા હતા. એઆર અરહમાનના ગીતો Kalluri Saaley અને Hello Drથી તેમને પ્લેબેક સિંગર તરીકે ઓળખ મળી હતી.

કેકેને બોલિવૂડમાં પ્રથમ બ્રેક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના ગીત તડપ તડપથી મળ્યો હતો. આ પહેલા તેમણે ફિલ્મ માચિસના ગીત ‘છોડ આયે હમ યે ગલિયાં’માં એક નાનો ભાગ ગાયો હતો.

કેકેએ બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. તેમણે પોતાના બાળપણના પ્રેમ જ્યોતિ સાથે ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. તેમનો દીકરો નકુલ કૃષ્ણ કુન્નત પણ સિંગર છે. નકુલે કેકે સાથે તેમના આલ્બમ હમસફરમાં એક ગીત ગાયુ હતું. કેકેની એક દીકરી પણ છે જેનું નાન તમારા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.