Western Times News

Gujarati News

ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સરકારના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ વિશેષ કાર્યક્રમમાં પ્લે ફોર યુનિટી સીઝન-૨નું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશન (જીટીએએ) દ્વારા ભારતમાં ટ્રાવેલ ટ્રેડની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ પ્લે ફોર યુનિટી સીઝન-૨નું આગામી તા.૨૩, ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ગુજરાત યુનિવર્સિટી પાસે એઇએસ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લઇને રમત-ગમત ક્ષેત્રે તેમની પ્રતિભા પ્રદર્શિત કરશે તથા નેટવર્કીંગનો લાભ લેશે. ગુજરાત સરકારના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ આજે આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્લે ફોર યુનિટી સીઝન-૨નું ઉદ્ઘાટન કર્યું હતું, જે પ્રસંગે જીટીએએના પ્રેસીડેન્ટ શ્રી બ્રિજેશ શાહ, વાઇસ પ્રિસેડન્ટ શ્રી સંકેત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત એસોસીએશનના સેક્ટેરી શ્રી જે. ડી. પટેલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી એન.એમ. શેખ અને ટ્રેઝરર શ્રી તેજ મહેતા પણ હાજર રહ્યાં હતાં. આ ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત યુનિવર્સિટી પાસે એઇએસ ગ્રાઉન્ડમાં રમાશે, જેમાં લગભગ ૧૩ મેચ રમાશે અને ૨૦ ટીમના ૨૫૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટની સેમીફાઇનલ તા.૨૪ અને ફાઇનલ મેચ તા.૨૫ ફેબ્રુઆરીએ યોજાશે તથા વિજેતા ટીમને એવોર્ડથી સન્માનિત કરાશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને સંબોધન કરતાં જીટીએએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંકેત શાહે જણાવ્યું હતું કે, પ્લે ફોર યુનિટી સીઝન ૧ની સફળતા અને ટુર્નામેન્ટને મળેલા બેજોડ પ્રતિસાદથી ઉત્સાહિત થઇને અમે સીઝન-૨ રજૂ કરી રહ્યાં છીએ. તે ભારતમાં ટ્રાવેલ ટ્રેડની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાનો અમને ગર્વ છે. આ ટુર્નામેન્ટ દ્વારા અમે જીટીએએના સભ્યોને પોતાની દૈનિક વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ક્રિકેટ રમીને પોતાની પ્રતિભા દર્શાવવાનો તથા નેટવવર્કીંગની તક પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મને અપેક્ષા છે કે એસોસીએશનના તમામ સભ્યો ઉત્સાહભેર ટુર્નામેન્ટમાં સક્રિયપણે સામેલ થઇને તેને સફળ બનાવશે. આજના ઉદ્ઘાટન સમારોહમાં ટ્રાવેલ અને નેટવર્કીંગ મીટનું પણ આયોજન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.