ઘટના અંગે હોસ્પિટલે જાણ ન કરી, ટીવીથી ખબર પડી
અમદાવાદ, શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હાૅસ્પિટલ કે જે કોવિડના દર્દીઓની સારવાર માટે એલોટ કરવામાં આવી હતી તેમાં મોડી રાતે આશરે ૨.૩૦ કલાકની આસપાસ ચોથેમાળે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આ દૂર્ઘટનામાં આઇસીયુમાં સારવાર લઇ રહેલા ૮ દર્દીઓ બળીને ખાખ થઇ ગયા છે. ત્યારે મૃતકોનાં સ્વજનોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. સ્વજનોને હાૅસ્પિટલમાં ન જવા દેતા પોલીસ સાથે બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. સ્વજનોએ આક્રોષ સાથે પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, આટલી મોટી દૂર્ઘટના સર્જાઇ ગઇ પરંતુ અમને તો ટીવી ચેનલોનાં માધ્યમથી આ ખબરની જાણ થઇ, આ હાૅસ્પિટલે અમને કોઇ જ જાણ કરી નથી.
આ અંગે મૃતકના દર્દીના પરિવારજનોએ આક્રોષ ઠાલવતા જણાવ્યું કે, બે દિવસ પહેલા અમારી પાસેથી પાંચ લાખ જેટલુ બિલ લીધુ છે. જ્યારે બિલ ભરવાનું હોય ત્યારે જ અમને ફોન કરવામાં આવતા. પરંતુ અમારી દર્દીનું પૂછીએ તો કોઇ જાણકારી આપતા ન હતા. આટલી મોટી ઘટના બની છે તે અંગેની અમને કોઇ જ જાણ કરવામાં આવી નહીં.
અમને સવારે ઉઠીને ટીવી ચેનલો દ્વારા ખબર પડે છે કે, અમારા સ્વજનો બળીને ખાખ થઇ ગયા છે. મૃતકોના અન્ય પરિવારજનોએ જણાવ્યું કે, આ હાૅસ્પિટલની મોટી બેદરકારી જ છે.
તેમના સ્ટાફને કંઇનથી થયું અને દર્દીઓ મરી ગયા એવું કઇ રીતે બન્યું. શ્રેય ૫૦ બેડવાળી કોવિડ-૧૯ હોસ્પિટલ છે. જ્યાં ૪૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દુર્ઘટનામાં જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને પીએમ માટે લઈ જવામા આવ્યા છે.
જ્યારે અન્ય દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, શ્રેય હાૅસ્પિચલમાં ફાયરનાં સાધનો હતા કે નહીં, હતા તો કેવી સ્થિતિમાં હતા તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ હાૅસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા તે બધા એક્સપાયરી ડેટનાં હતા.