ઘનશ્યામ નાયક અને કિરણ ભટ્ટ વર્ષોથી મિત્ર હતા

મુંબઈ, કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં જ નવા નટુકાકાની એન્ટ્રી થઈ છે. નટુકાકાના રોલમાં જાણીતા ગુજરાતી કલાકાર કિરણ ભટ્ટએ એન્ટ્રી લીધી છે. અગાઉ નટુકાકાનું પાત્ર અભિનેતા ઘનશ્યામ નાયક ભજવતા હતા.
જાેકે, તેમનું અવસાન થતાં શોના મેકર્સને નવા નટુકાકા શોધવાની ફરજ પડી હતી. સીરિયલમાં બતાવાયું છે કે, જૂના નટુકાકાએ આ નવા નટુકાકાને ગડા ઈલેક્ટ્રોનિક્સ સંભાળવા માટે મુંબઈ મોકલ્યા છે. અસલ જિંદગીમાં પણ કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયક વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે.
ઘનશ્યામ નાયક અને કિરણ ભટ્ટ નાટકોમાં સાથે કામ કરતા હતા. તેઓ સારા મિત્રો પણ હતા. આ વિશે વાત કરતાં કિરણ ભટ્ટે કહ્યું, જૂના નટુકાકા નવા નટુકાકાને પાછા લાવી રહ્યા છે. મને આનંદ છે કે હું મારા વહાલા મિત્ર ઘનશ્યામ નાયકે ભજવેલો રોલ ભજવી રહ્યો છું.
મારા માટે આ રોલ સાથે લાગણીઓ જાેડાયેલી છે. હું આશા રાખું છું કે, ઘનશ્યામે શરૂઆતથી જ જે કુશળતાથી પાત્ર ભજવ્યું છે તેવી રીતે હું પણ ભજવી શકું. સીરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ નવા નટુકાકા અંગે વાત કરતાં કહ્યું, અમે તાજેતરમાં જ જેઠાલાલના નવા શોરૂમ ગડા ઈલેક્ટ્રોનિક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યારે અમને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યું છે. એટલે અમે નટુકાકાને પાછા લઈ આવ્યા. ૨૦૦૮થી શો શરૂ થયો ત્યારથી અમને જે પ્રેમ મળ્યો છે તે જ પ્રેમ દર્શકો નવા નટુકાકાને પણ આપશે તેવી અપેક્ષા છે. અમે કેટલાય મહિના સુધી નટુકાકાના રોલ માટે ઓડિશન લીધા અને આખરે અમારી શોધ કિરણ ભટ્ટ પર આવીને પૂરી થઈ છે.
જણાવી દઈએ કે, નટુકાકાનો રોલ કરનારા અભિનેતા ઘનશ્યામ નાયકનું ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૭૭ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ એક વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને આ બીમારીના લીધે જ તેમનું નિધન થયું હતું.SS1MS