ઘરકંકાસ અને દહેજના ત્રાસના કારણે વિવાહિતાએ જીવન ટૂંકાવ્યું
અંબાલા: હરિયાણાના અંબાલા જિલ્લાના દુર્ગા નગરમાં ૩૦ વર્ષીય વિવાહિતાએ સંદિગ્ધ પરિસ્થિતિમાં ગળે ફાંસો ખાઈ લીધો. મળતી માહિતી મુજબ, કેન્ટની રહેવાસી નેહાના લગ્ન ૭ વર્ષ પહેલા સંજીવ સાથે થયા હતા. બંનેના બે નાના બાળકો પણ છે. પરંતુ પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા, જેના કારણે નેહાએ ઘરમાં ફંદો લગાવીને કથિત રીતે આત્મહત્યા કરી દીધી. મૃતકાના પરિજનોનું કહેવું છે કે આ મામલો હત્યાનો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
મૃતકા નેહાના ભાઈનું કહેવું છે કે સાસરિયાઓ તરફથી વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. સાથોસાથ તેના પતિ દ્વારા તેને ત્રાસ પણ આપવામાં આવતો હતો. તેનું કહેવું છે કે જ્યારે તેની બહેને ફાંસી લગાવી તો આ ઘટનાના લાંબા સમય બાદ તેમને જાણ કરવામાં આવી. તેમને એવું જણાવ્યું કે નેહાએ ફાંસી લગાવી દીધી છે. નેહાના ભાઈએ વધુમાં જણાવ્યું કે, પતિ અને પત્ની વચ્ચે આ પહેલા પણ વારંવાર ઝઘડા થતા રહેતા હતા.
બીજી તરફ, મૃતકા નેહાના પિતાનું કહેવું છે કે દીકરીના સાસરિયા તરફથી વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. મેં મારી દીકરીને પૈસા પણ આપ્યા હતા. મારી દીકરીને તેનો પતિ વારંવાર ત્રાસ પણ આપતો હતો. તેની સાથે મારઝૂડ કરતો હતો. તેનો પતિ અનેકવાર ધમકી પણ આપી ચૂક્યો છે. અમારી માત્ર એવી માંગ છે કે અમારી દીકરીને ન્યાય મળવો જાેઈએ.આ મામલાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં લાગી ગઈ છે.
પોલીસનું કહેવું છે કે મૃતક મહિલાના પતિના નિવેદનના આધારે સાસરિયા પક્ષ પર કાર્યવાહી કરવામાં આવશે. ૩૦૪ બી અને ૩૪ આઇપીસી કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. જે પણ દોષી હશે તેની ધરપકડ કરવામાં આવશે.