Western Times News

Gujarati News

ઘરઘાટીને માર મારી ૭૦ વર્ષના પિતા પાસેથી મકાન પડાવી લેવા ધમકી

નાના પુત્રએ મોડીરાતે ઘરે આવી ઘરઘાટીને માર માર્યાે અને પિતાને ધમકી આપી
અમદાવાદ, પિતાનું મકાન મેળવવા માટે નાના પુત્રએ મધરાતે આવીને ઘરઘાટીને માર માર્યા પછી ૭૦ વર્ષના પિતાને પણ ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવાઈ છે.

મેમનગર રાવપુરા સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના સુદર્શનભાઈ પુરસોત્તમભાઈ બ્રહ્મભટ્ટે તેમના નાના પુત્ર વિશાલ સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પત્ની મીનાબહેન પચ્ચીસેક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. મોટો પુત્ર આશિષ પત્ની અને બાળકો સાથે દસેક વર્ષથી લંડનમાં રહે છે. બે પુત્રીના અમદાવાદમાં લગ્ન કરેલાં છે અને નાનો પુત્ર વિશાલ (ઉં.વ.૪૦)ના લગ્ન થઈ ગયાં છે અને પત્ની, બાળકો સાથે ઘાટલોડિયા ખાતે રહે છે. સુદર્શનભાઈ રાવપુર સોસાયટી ખાતે રહે છે અને ઘરઘાટી, રાજસ્થાનના શંકર પન્નાલાલ કહારી સાથે ચાર વર્ષથી રહે છે.

તા.૧૮ના પોણા બાર વાગ્યાના અરસામાં સુદર્શનભાઈ તેમના રૂમમાં ઉંઘતા હતા અને શંકર મકાનના કમ્પાઉન્ડમાં સુતો હતો. આ વખતે નાનો પુત્ર વિશાલ તેનું બાઈક લઈને આવ્યો હતો. કમ્પાઉન્ડમાં ઊંઘેલા શંકરને ઉઠાવી બે-ત્રણ લાફા મારી દઈ ગંદી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. શંકર બચવા માટે સુદર્શનભાઈના રૂમમાં આવ્યો હતો.

નાનો પુત્ર વિશાલ પણ પાછળ પાછળ આવ્યો હતો અને ઘરઘાટી શંકરને ફરી માર મારવા લાગ્યો હતો. સિનિયર સિટીઝન પિતા સુદર્શનભાઈ ઘરઘાટી શંકરને વચ્ચે પડ્યા તો તેમને પણ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, તું મને આ મકાન આપી દે. હું તને ચપ્પુ લઈને જાનથી મારી નાંખીશ. હું કાલે ફરી આવીશ તેમ કહી ઘરઘાટી શંકરને ઘર છોડી ભાગી જવાની ધમકી પણ આપી હતી. શંકર ન જાય તો જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

પિતા સુદર્શનભાઈએ ફરી વખત સમજાવવા પ્રયાસ કર્યાે તો પુત્ર વિશાલ બોલાચાલી કરવા લાગ્યો હતો. આખરે પિતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યાે હતો. પોલીસની વાન આવતાં પુત્ર વિશાલ નાસી છૂટ્યો હતો. વયોવૃદ્ધ પિતા સુદર્શનભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન જઈને મકાન મેળવવા માટે થઈને પરેશાની કરતાં અને ઘરઘાટીને માર મારનાર પુત્ર વિશાલ સામે વિધીવત ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.