ઘરઘાટી રાખતાં પહેલાં ચેતી જજોઃ આવું પણ થઈ શકે છે
ઘરઘાટી તરીકે આવેલા બંટી-બબલી રૂ.૧૦ લાખના ઘરેણાં લઈ ફરાર
વડોદરા, વડોદરા શહેરના વાસણા-ભાયણી રોડ વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાએ ઘરકામ માટે રાખેલા બંટી-બબલી કલાકોમાં જ રૂ.૧૦ લાખથી વધુ કિંમતના દાગીના ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાસણા વિસ્તારના સનરાઈઝ પાર્કમાં રહેતા એક ફેકટરી ધરાવતા રવિકુમાર ચૌધરીએ પોલીસને કહ્યું હતું કે, હું મારી પત્ની અને પુત્ર સિંગાપોરથી ગઈ તા.૧૮મીએ પરત આવ્યા ત્યારે ઉપરના રૂમમાં જોતા લાકડાની તિજોરી ખુલ્લી હતી અને સામાન રફેદફે હતો જેથી ચોરીની શંકા જતાં મારા માતાને પૂછયું હતું. માતાએ કહ્યું કે આપણે ત્યાં કામ કરતી બાઈ બે મહિનાથી આવતી નહીં હોવાથી વોચમેનને કહી રાખ્યું હતું.
જેથી તા.૧૦મીએ રાહુલ અને આરતી નામના યુવક-યુવતી મને મળવા આવ્યા હતા. તેમણે પહેલાં દિવસે બે વાગ્યા સુધી કામ કર્યું હતું. બીજા દિવસે ફરી બન્ને જણા કામે આવ્યા હતા અને ૧૦થી ૧ વાગ્યા સુધી કામ કરી ચાલ્યા ગયા હતા પરંતુ ત્યારબાદ તેઓ આવ્યા ન હતા. પોલીસની તપાસ દરમિયાન બંટી અને બબલી ઘરકામ કરવાના નામે જુદા જુદા સ્ટોન અને હીરા સાથે બનાવેલા ૩પ તોલાથી વધુ દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૧૦ લાખ જેટલી મતા ચોરાઈ હોવાનું જણાઈ આવ્યું છે.