ઘરથી દૂર છાત્રાલયમાં શિક્ષણની સાથે નવું જ્ઞાન કેળવી વિકાસ સાધી શકાય છે : જવાહર ચાવડા
રાધનપુર ખાતે નિર્માણ પામનાર કન્યા છાત્રાલય અને શાળા સંકુલનું ખાતમૂર્હૂત કરતા કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા
રૂ.૦૫ કરોડના ખર્ચે આગામી ૧૫ માસમાં ત્રણ માળનું કન્યા છાત્રાલય અને ધો.૦૧ થી ધો.૧૨ સુધીના અભ્યાસ માટે શાળા સંકુલ તૈયાર કરવામાં આવશે
પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે શ્રી પેથલજીભાઈ નાનાભાઈ ચાવડા કન્યા સંકુલનો ખાતમૂર્હૂત સમારોહ યોજાયો. વઢિયાર આહીર કેળવણી મંડળ રાધનપુર દ્વારા રૂ.૦૫ કરોડના ખર્ચે ધો.૦૧ થી ૧૨ સુધી અભ્યાસ માટે શાળા અને કન્યા છાત્રાલય આગામી ૧૫ માસમાં નિર્માણ પામશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, યાદવ કુળના કૃષ્ણએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે એટલે શિક્ષણ તો આહિર સમાજના લોહીમાં છે. ત્યારે આહિર સમાજની દિકરીઓને પણ સંસ્કારોની સાથે ઉચ્ચ અભ્યાસની તક મળે તે માટે રાધનપુરમાં શાળા સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આશ્રમમાં રહીને અભ્યાસ કરવાની રામ અને કૃષ્ણ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ સમાજની દિકરીઓ માટે પણ કન્યા છાત્રાલય અહીં બનાવવામાં આવશે જ્યાં આહિર સમાજની દિકરીઓને સંસ્કારોની સાથે ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. ઘરથી દૂર છાત્રાલયમાં શિક્ષણની સાથે નવું જ્ઞાન અને નવા અનુભવો કેળવી વ્યક્તિગત વિકાસ સાધી શકશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આવનારો યુગ સત્તા, સંપત્તિ અને સંસ્કારોનો છે પરંતુ શિક્ષણ વગર આ ત્રણેય નિરર્થક છે. સમાજ સંગઢીત અને શિક્ષિત બનશે તો જ વધુ સારી પ્રગતી સાધી શકશે. છેવાડાના માનવી સુધી શિક્ષણ માટે શક્ય તમામ મદદ કરવા હું હંમેશા તૈયાર છું અને રહીશ.
જામનગરના સંસદ સભ્ય સુશ્રી પુનમબેન માડમે જણાવ્યું કે, સંગઠન એ સૌથી મોટી તાકાત છે, અનેક સમાજોએ સંગઠન શક્તિથી પ્રગતિ કરી છે. આહીર સમાજે પણ એક થઈ સમાજના વિકાસ માટે કટીબદ્ધ થવાનું છે. નબળા વર્ગો સુધી તેમના અધિકારો પહોંચાડીને જ સર્વાંગી વિકાસ સાધી શકાશે. સમાજના આગેવાનોએ શિક્ષણ ક્ષેત્ર થકી સમાજને આગળ લાવવાના જે પ્રયાસો કર્યા છે તે વંદનીય છે.
રાધનપુરના મસાલી રોડ પાસે નિર્માણ પામનાર કન્યા છાત્રાલય અને શાળા સંકુલના ખાતમૂર્હૂત પ્રસંગે રાજુલાના ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ, વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ મેયરશ્રી ભરતભાઈ ડાંગર સહિત સમાજના આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે કન્યા સંકુલના નિર્માણ થકી શિક્ષણના મહાયજ્ઞમાં આહૂતિ આપનાર દાતાશ્રીઓનું સાલ, મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમારોહ પૂર્વે મહાનુભાવો અને દાતાશ્રીઓ સાથે આહીર સમાજના લોકો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી.
હાલના આહીર કુમાર છાત્રાલયની સાથે જ ૪૮ ગામ આહીર સમાજ સહિત સમગ્ર રાજ્યની આહીર સમાજની કન્યાઓને શિક્ષણ અને રહેવા સહિતની સવલતો ઉપલબ્ધ બને તે માટે ધો.૦૧ થી ધો.૧૨ સુધી અભ્યાસ માટેની અદ્યતન સુવિધાઓયુક્ત શાળા અને ૫૦૦ જેટલી દિકરીઓને રહેવાની સગવડ પૂરી પાડવા કન્યા છાત્રાલય નિર્માણ પામશે. દાતાશ્રીઓ અને સમાજના આગેવાનોની જહેમતથી રૂ. ૦૫ કરોડના ખર્ચે આગામી ૧૫ માસમાં ત્રણ માળનું સંકુલ તૈયાર કરવામાં આવશે.
કન્યા છાત્રાલયના ખાતમૂર્હૂત પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વાસણભાઈ આહિર, જુનાગઢ જિલ્લાના તલાલા-ગીરના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, ગ્રામ અને ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઈ બેરા, ગુજરાત બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા અને આહીર સમાજના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ તથા આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.