ઘરના તમામ સદસ્યોને પણ હંમેશાંના માટે પ્રસન્ન કરી શકાતા નથી
કવિ દુલાભાયા કાગે લખ્યું છે કે.. “આ-લોકના સાગર મહીં કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દો-રંગના ધોખા કદી ધરશો નહીં, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કલમ ધ્રુજે છે લખતા અમારી પાપ પોથીને, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાયા છે.”
જગતને પ્રસન્ન કરવું મુશ્કેલ છે. પોતાના ઘરના તમામ સદસ્યોને પણ હંમેશાંના માટે પ્રસન્ન કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું દ્રષ્ટાંત છે કે..એક સમયે બાપ-દીકરો ઘોડાને લઇને જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે તમે ઘોડા પર બેસો હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.
તેઓ જતા હતા અને સામે કેટલાક માણસો મળ્યા તે વાતો કરે છે કે જુઓ આ બાપ કેટલો નિર્દય છે પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે. બાપે આ સાંભળ્યું તેણે છોકરાને કહ્યું બેટા તું ઘોડા પર બેસ હું ચાલીશ.દીકરો હવે ઘોડા પર બેઠો.થોડા આગળ ગયા એટલે બીજા કેટલાક લોકો સામે વાતો કરતા સાંભળવા મળ્યા કે દીકરો કેટલો નિર્લજ્જ છે.કેવો કળિયુગ છે? છોકરાંઓને બાપની લાગણી જ ક્યાં છે?
દિકરો જુવાન જોધ થઇ ઘોડા પર બેઠો છે અને બાપને ચલાવે છે.પિતા-પુત્ર બંનેએ આ સાંભળ્યું એટલે પિતા પણ હવે ઘોડા પર દીકરાની જોડે બેસી ગયા.થોડા આગળ ગયા એટલે બીજા લોકોને વાતો કરતા સાંભળ્યા કે જુઓ આ બે માણસોની નિર્દયતા તો જુઓ.બંને પાડા જેવા થઈને આ બિચારા નાના ઘોડા ઉપર ચઢી બેઠા છે.
આ બિચારૂં પશુ છે તેની દયા પણ નથી.ભારથી બિચારૂં પશુ મરી જશે.બાપ અને દીકરો બન્ને હવે ઘોડા પરથી નીચે ઉતરી ગયા.તેમણે વિચાર્યું કે હવે તો લોકોને કાંઇ કહેવાપણું રહેશે નહિ પણ થોડા આગળ ગયા એટલે આગળ કેટલાક બીજા માણસોને બોલતાં સાંભળ્યા કે આ બંને લોકો મૂર્ખ છે સાથે ઘોડો છે અને બાપ-દિકરો ચાલતા જાય છે.
જગતમાં કેવો વ્યવહાર અને વર્તન રાખવાં તેની કોઈને સમજણ પડતી નથી.જગત આપણા માટે શું બોલે છે? તે સાંભળવાની જરૂર નથી અને જો સાંભળીશું તો આપણું મન અશાંત થશે.જગતને રાજી રાખવું કઠણ છે પરંતુ પરમાત્માને પ્રસન્ન કરવા એટલા કઠણ નથી.
ભગવાન જગતનું મૂળ ઉપાદાન-કારણ છે.ઝાડને લીલુંછમ રાખવા માટે તેના પાંદડે પાંદડે પાણી છાંટવાની જરૂર નથી, મૂળને પાણી રેડવાની જરૂર છે.સંસાર વૃક્ષ છે અને સંસારવૃક્ષનું મૂળ ઉપાદાન કારણ પરમાત્મા છે.જગતને તો ભગવાન અવતાર લઇને આવે ત્યારે પણ રાજી કરી શક્યા નથી તો મનુષ્ય શું રાજી કરી શકવાનો હતો?
આવો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત જ્ઞાની ભક્ત તત્વજ્ઞ મહાપુરૂષના શરણમાં જઇ એક પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરી આપણો આલોક અને પરલોક સુખી બનાવીએ,જન્મમરણના ચક્કરમાંથી મુક્ત થઇ સાચો આનંદ મેળવીએ.જે સૌભાગ્યશાળી વ્યક્તિને આવા સંત મહાપુરૂષની સંગતિ મળી જાય છે તો તેના મન ઉપર લાગેલા કામ ક્રોધ લોભ મોહ વગેરેના કાળા દાગ દૂર થઇ જાય છે.
જે સાચા સંત હોય છે તે જિજ્ઞાસુઓને ત્રણ ગુણોથી પાર કરી ત્રિગુણાતીત ૫રમાત્માનાં દર્શન કરાવી દે છે અને હ્રદયને અલૌકિક પ્રકાશ(જ્ઞાનરૂપી રોશની) થી ભરી દે છે.સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સંત એક એવો અથાહ સાગર હોય છે જે આદિ અને અંતથી ૫ર હોય છે.સંતોના ગુણોની ગણતરી થઇ શકતી નથી.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.
જીવન કેવી રીતે જીવવું તે ભાગવતમાં સમજાવ્યું છે.સર્વ જીવો પર દયા રાખવી, જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો અને તમામ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો, આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, કૃપા કરે છે.ઝેર ખાવાથી મનુષ્ય મરે છે પણ ઝેરનું ચિંતન કરવાથી મનુષ્ય મરતો નથી પરંતુ વિષયો તો વિષથી પણ ખરાબ છે,વિષયો ભોગવ્યા ના હોય પણ તેના ચિંતનમાત્રથી મનુષ્ય મરે છે માટે તે વિષયોનો મનથી પણ ત્યાગ કરી સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો છે. -વિનોદભાઇ માછી નિરંકારી (નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ) ૯૭૨૬૧૬૬૦૭૫(મો)