ઘરમાં અજાણી સ્ત્રીને ઘરકામ કરવા રાખતાં પહેલા ચેતી જજો
(એજન્સી)અમદાવાદ, ચોરી પર સીનાજોરી જેવી એક ઘટના શહેરના સાબરમતી વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. એક યુવતીએ ઘરમાંથીચોરી કર્યા બાદ તેના ભાઈએ મકાન માલિકને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. યુવતી જ્યાં નોકરી કરતી હતી તે ઘરમાં તેણે ૩.ર૦ લાખની મતાની ચોરી કરી હતી.
સાબરમતી વિસ્તારમાં આવેલા શાશ્વત સ્કાય બિલ્ડીંગમાં રહેતા સીતાકુમારી જૈને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભારતી ઉર્ફે વંદના શર્મા અને પવન શર્મા વિરૂદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ખંડણી, ચોરી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ફરિયાદ કરી છે. સીતાકુમારી પતિ મદદલાલ અને દિકરા અનુરાગ અને દીકરી ક્રીતિકા સાથે રહે છે અને ઘરેથી સ્ટોક માર્કેટનો ધંધો કરે છે.
તા.૭ ફેબ્રુઆરીના રોજ સીતાકુમારીની કંપનીમાં ભારતી ઉર્ફે વંદના શર્મા ઈન્ટરવ્યુ આપવા માટે આવી હતી. ઈન્ટરવ્યુમાં તે સિલેકટ થઈ જતાં ભારતીએ નોકરી શરૂ કરી હતી. ભારતી સવારથી સીતાકુમારીના ઘરે નોકરી કરવા માટે આવી જતી હતી અને તેને મૂકવા માટે તેનો ભાઈ પવન શર્મા કે પિતા કૈલાસભાઈ આવતા હતા. નોકરી કર્યાના થોડા દિવસ બાદ ભારતીના માતા-પિતા સીતાકુમારીને મળવા આવ્યા હતા અને થોડા દિવસ સુધી તેને ઘરમાં રાખવા માટે વિનંતી કરી હતી.
સીતાકુમારીએ ભારતીને ઘરે રાખી હતી જ્યાં તે નોકરી પણ કરતી હતી. દરમિયાનમાં સીતાકુમારીને ખબર પડી હતી કે, ભારતીનો એક રોની સોલંકી કરીને પ્રેમી છે જેની સાથે તે ભાગીને લગ્ન કરવાની છે. જેના કારણે તેના માતા -પિતાએ અમારા ઘરે રાખી છે. રપ માર્ચના રોજ હોળીનો તહેવાર હોવાથી ભારતી તેના ઘરે ગઈ હતી. જ્યારે રાતના દસ વાગ્યે કપડાં લેવા સીતાકુમારીના ઘરે પરત આવી હતી.
ભારતી સીતાકુમારીના ઘરેથી જતી રહેતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજ જોતાં ખબર પડી હતી કે ભારતીએ પ૦ હજાર રોકડા, શેરબજારના ડોક્યુમેન્ટ, દાગીના સહિત કુલ ૩.ર૦ લાખના ચોરી લીધા છે. સીતાકુમારીએ તરત જ કૈલાશ શર્માને ફોન કર્યો હતો અને ચોરી કરી હોવાની જાણ કરી હતી. કૈલાસ શર્માએ તેમને દાગીના તેમજ રૂપિયા પરત આપી દેશે તેની બાંહેધરી આપી હતી.
ભારતીની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. દરમિયાનમાં ભારતીના ભાઈએ સીતાકુમારી તેમજ તેમના પતિને ધમકી આપી હતી કે જો તમે મને ત્રણ કરોડ રૂપિયા નહીં આપો તો તમને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દઈશું. સીતાકુમારી અને મદદલાલ ગભરાઈ જતાં તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અંતે દંપતીને હિંમત આવતા તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.