ઘરમાં કોઇ ન હતુ ત્યારે ૧૫ વર્ષની કિશોરીએ જીવન ટૂંકાવ્યું
રાજકોટ: રંગીલું રાજકોટ જાણે કે આપઘાતની નગરી બની ગઈ હોય તેમ એક બાદ એક આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં ૧૫ વર્ષની કિશોરીએ ધરમાં કોઇ ન હતું ત્યારે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં બે દિવસ પહેલા પણ એક સગીરાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સગીર વયની વ્યક્તિઓના આપઘાતના પ્રમાણમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના જુના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરામા રહેતી જયા કિશોરભાઇ પરમાર નામની સગીરાએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં જયા પરમારે પોતાના જ ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ઘટનાસ્થળે દોડી ગયેલી બી ડિવિઝન ની ટીમ દ્વારા સૌપ્રથમ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યાર બાદ મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જુના મોરબી જકાત નાકા પાસે આવેલા ઇમિટેશનના કારખાનામાં કામ કરતી હતી. જ્યારે તેના પિતા કિશોરભાઈ ઈલેક્ટ્રીકનું કામ કરે છે.
સોમવારના રોજ સવારે મૃતકના માતા-પિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે મોટી બહેન બહાર કામે ગઈ હતી. જ્યારે નાનો ભાઈ પતંગ ચગાવતો હતો. ત્યારે માતા-પિતા કોઈ કાગળ ભૂલી ગયા હતા તે ઘરે લેવા આવતા તેમને પોતાની પુત્રીની લાશ લટકતી જાેતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા.
જયારે મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યા મુજબ મૃતક જયા પરમારને લાતી પ્લોટમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. જેની જાણ સગીરાના પરિવારજનોને પણ થઈ હતી. ત્યારે સગીરાના પિતાએ તેને સમજાવી હતી કે, યુવક તેના જ ગામનો હોય અને બંને એક જ કુટુંબના હોવાથી લગ્ન ન થઈ શકે. જેથી સગીરાને લાગી આવતા તેને આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે.