ઘરમાં ઘૂસી કબજા જમાવી દેતાં વૃદ્ધ પિતાએ પુત્ર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી
અમદાવાદ: સેવા ચાકરી કરવાનાં બહાને મકાનમાં ઘુસી જઈ તેની ઊપર કબજા જમાવી દેતાં પિતાએ પોતાનાં પુત્ર તથા પુત્રવધુ વિરૂદ્ધ ચાંદખેડા પોલીસને ફરીયાદ કરી છે. કસ્તુરીલાલ હંસરાજ ગુપ્તા (૮૯) સુભાષનગર, ગુજરાત હાઊસીંગ બોર્ડનાં મકાન, ચાંદખેડા ખાતે રહે છે. તેમનો નાનો પુત્ર દિપક લગ્ન બાદ પંજાબ ખાતે રહેતો હતો. જે બે વર્ષથી કસ્તુરીલાલની સેવા ચાકરી કરવાનાં બહાને તેમની સાથે રહેવા આવ્યો હતો.
કસ્તુરીલાલે તેને રહેવા માટે એક રૂમ રસોડાવાળું અલગ ઘર આપ્યું હતું. જા કે ઘરમાં ઘુસી ગયા બાદ દિપક અને તેની પત્ની ટીનાએ પોત પ્રકાશતાં કસ્તુરીલાલ અને તેમનાં પત્ની પુનરામબન સાથે ઝઘડાં શરૂ કર્યા હતાં. બાદમાં કસ્તુરીલો તેને ઘરમાંથી નીકળી જવાં કહેતાં દીપક અને ટીનાએ ઘર ઊપર ગેરકાયદે કબજા જમાવી દીધો હતો. અને નાની નાની વાતે ઝઘડો કરી વૃદ્ધ દંપતીને માર મારવાની ધમકી આપતાં હતાં.
વૃદ્ધ કસ્તુરીલાલે પોતાનાં વકીલ દ્વારા દિપકને નોટીસ મોકલી હોવા છતાં તે ઘર ખાલી ન કરતો હોવાથી ત્રાસી ગયેલાં વૃદ્ધ દંપતીએ પોલીસનું દ્વાર ખખડાવ્યું છે. ચાંદખેડા પોલીસે તેમની ફરીયાદ નોંધીને દિપક તથા ટીના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.