ઘરમાં લગાવાતી સોલાર સિસ્ટમને સરળ ભાષામાં સમજો
જો તમે ઘરમાં વિજળી ઉત્પાદન માટે સોલાર સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા હો તો આ સોલાર સિસ્ટમ વિષે સમજો. ઘરમાં વપરાતી વિજળી જનરેટ કરવા માટે ટેરેસ પર અથવા ગાડી પાર્કિગની જગ્યામાં સોલાર સિસ્ટમ લગાવી શકાય છે.
હવે સમજીએ કે સોલાર સિસ્ટમ વિજળી ઉતપન્ન કેટલા યુનિટ કરે છે. 4 કે 5 વ્યક્તિના ફેમિલીમાં 1 એસી અને અન્ય ઉપકરણો જેવા કે 3 ટ્યુબ લાઈટ, ત્રણ પંખા, પાણીની મોટર, ઈસ્ત્રી અને બીજા ઉપકરણોનો ઉનાળામાં દૈનિક સરેરાશ વપરાશ લગભગ 15 થી 20 યુનિટ જેટલી હોય છે. (એરકન્ડીશનનો વપરાશ દરરોજનો 8 કલાક પ્રમાણે ગણતરીમાં લીધો છે, એસી ઈન્વર્ટર હોય અને 5 સ્ટાર હોય તો વપરાશ ઘટી શકે છે)
સરળ ભાષામાં સમજીએ તો ઘરદીઠ દર બે મહિને ઉનાળામાં આશરે 1000 થી 1200 યુનિટ જેટલો ઘરમાં વપરાશ હોય છે. જયારે શિયાળામાં આશરે 400 થી 800 યુનિટ જેટલો દર બે મહિને વપરાશ હોય છે. (શિયાળામાં બાથરૂમમાં ઈલેક્ટ્રીક ગીઝર લગાવ્યા હોય તો વપરાશ વધી શકે છે) એટલે કે ઘરદીઠ આશરે વાર્ષિક 6000 યુનિટ જેટલો વપરાશ થતો હોય છે.
સોલાર સિસ્ટમ 1 કિલોવોટ લગભગ 4 થી 5 યુનિટ દૈનિક જનરેટ કરે છે. એટલે જો તમે 4 કિલો વોટની સોલાર સિસ્ટમ લગાવો તો દૈનિક 15 થી 20 યુનિટ જનરેટ કરી શકાય છે. આ યુનિટ ઉનાળામાં દિવસ લાંબો હોવાથી 20 યુનિટ જેટલી હોય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણમાં તે લગભગ 12 યુનિટથી પણ ઓછી થઈ જતી હોય છે.
આ ઉપરાંત સોલાર સિસ્ટમને જો સાફ સફાઈ નિયમીત કરવામાં આવે તો દૈનિક 4 કિલોવોટની સોલર સિસ્ટમમાં દૈનિક 3 થી 4 યુનિટ વધારે જનરેટ થાય છે. 1 કિલો વોટની સોલર સિસ્ટમનો ખર્ચ લગભગ 35000 રૂપિયા જેટલો થાય છે. એટલે કે 4 કિલોવોટના 1.20 લાખ જેટલો આશરે ખર્ચ થાય છે.
સોલાર સિસ્ટમ સાથે લગાવામાં આવતાં હાઈબ્રીડ કન્વર્ટરને શક્ય હોય તો ટેરેસ કેબીનમાં મૂકો, ગરમીની સીઝનમાં ગરમ પવન અને ગરમીને કારણે કન્વર્ટર ગરમ થાય નહી અને ચોમાસામાં પણ તેને વરસાદથી બચાવી શકાય.