ઘરેથી નીકળી ગયેલી અમદાવાદની સગીરાનું પરિવાર સાથે મિલન
હિંમતનગર, અમદાવાદના એક વિસ્તારની સગીરા રિસાઈને કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી નીકળી હતી. સદનસીબે સાબરકાંઠાની ૧૮૧ અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવીને પરિવારને સોપતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં.
અમદાવાદના એક વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને મમ્મી-પપ્પાએ કહેલા શબ્દો લાગી આવતા ેતેણી ઘરમાં કોઈને કીધા વગર દિશા વિહીન બનીને ગત ર૪ એપ્રિલે ઘર છોડીને નીકળી ગઈ હતી. દીકરીને શોધવા માટે રાત-દિવસ જોયા વગર પરિવારજનો આમથી તેમ રઝળપાટ કરતા હતા.
તો બીજી તરફ અમદાવાદની આ સગીરા અંગે એક સમાજ સેવકને જાણ થતાં તેણે ૧૮૧ અભયની ટીમને જાણ કરી હતી. અભયમના કર્મચારીઓએ આ સગીરાને શોધી તેનો સંપર્ક કરી સમગ્ર ઘટનાથી વાકેફ થયા હતા. જયાં સગીરાએ આવેશમાં આવી જઈ માતા-પિતાના ઘરે જવાની ના પાડી દીધી હતી. તેમ છતાં અભયમની ટીમે પોતાના અનુભવના આધારે કળથી કામ લઈ ચર્ચા કરી હતી.
સગીરાના મનમાંથી ગુસ્સો દૂર થયા બાદ તેણી માતા-પિતા પાસે જવા રાજી થઈ ગઈ હતી અને આખરે અભયમની ટીમે સગીરાનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
સામાન્ય રીતે આજકાલનું યુવાધન પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મા-બાપ સાથે જીદે ચઢે છે. કેટલીક વખત લાચાર મા-બાપ પોતાના દિકરા-દિકરીના ઉજવળ
ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુસ્સે થઈ ઠપકો આપે ત્યારે તેઓ ઘર છોડીને ચાલતી પકડે છે પરંતુ મા-બાપની મનોવ્યથા કેવી થાય છે તેનો વિચાર કરતા નથી જેના માટે સમાજ સુધારકોએ આગળ આવવાની જરૂર છે.