ઘર ખરીદનારને સાત લાખ સુધીનો સીધો ફાયદો મળશે
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વેળા મધ્યમ વર્ગને પણ કેટલીક રાહતો આપવાની જાહેરાત કરી છે. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇ-વાહનો ખરીદનારને ઓટો લોન ઉપર દોઢ લાખ રૂપિયા સુધી વ્યાજ પર ઇન્કમટેક્સમાં રાહત મળશે. આવી જ રીતે ૪૫ લાખ રૂપિયા સુધીના આવાસની ખરીદી ઉપર લોનના વ્યાજ પર મળનાર કુલ છુટછાટ હવે બે લાખથી વધારીને ૩.૫ લાખ કરી દેવામાં આવી છે.
હકીકતમાં હોમ લોન ઉપર વ્યાજ ચુકવણી ઉપર ટેક્સમાં બે લાખ રૂપિયા સુધીની છુટછાટ આપવામાં આવતી હતી પરંતુ ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધી લેવામાં આવેલા લોન માટે ચુકવવામાં આવનાર વ્યાજ પર ટેક્સમાં ૧.૫ લાખ રૂપિયાની વધારાની છુટછાટની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીના કહેવા મુજબ ૧૫ વર્ષની લોન પિરિયડમાં આવાસ ખરીદનારને સાત લાખ રૂપિયા સુધીનો સીધો ફાયદો થશે. આવાસને લઇને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બીજા તબક્કામાં ૨૦૨૦થી ૨૦૨૧-૨૨ના ગાળા દરમિયાન ૧.૯૫ કરોડ આવાસ ફાળવણી માટેનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામિણ રોજગાર માટે સ્ફૂર્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરુપે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ ટેક્સ રેવેન્યુમાં ૭૮ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ૧૧૪ દિવસમાં આવાસ બની રહ્યા છે.