Western Times News

Gujarati News

ઘર જ સૌથી મોટી અને મહત્વની સ્કૂલ

Files Photo

અમદાવાદ: માતા-પિતાનું વર્તન યોગ્ય હોવું જાઈએ કારણકે બાળક માટે તેનું ઘર જ સૌથી મોટી અને મહત્વની શિક્ષણ સંસ્થા છે. ઝઘડો કરીને છૂટા પડેલા કપલનો બાળકો માટે ફરી મેળાપ કરાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે આ કહ્યું હતું. આ કેસ બનાસકાંઠા જિલ્લાનો છે. જ્યાં એક અને ત્રણ વર્ષના બે બાળકોની કસ્ટડી માટે કપલ કાયદાકીય જંગ લડી રહ્યું હતું. ગયા વર્ષે મહિલાએ પોતાના પતિનું ઘર છોડી દીધું હતું. મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાની સામે દહેજ અને ત્રાસ આપવાની ફરિયાદ નોંંધાવી હતી. બાળકો પિતાની કસ્ટડીમાં હોવાથી માતાએ કસ્ટડી મેળવવા કાનૂની લડાઈ શરૂ કરી હતી.

બાળકોની કસ્ટડી માટે મહિલાએ થરાદની મેજિસ્ટ્રિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પરંતુ ૧૫ દિવસ પહેલા મહિલાએ બંને બાળકોની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટની સૂચના મુજબ, પતિ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બંને બાળકો સાથે કોર્ટ સમક્ષ હાજર થયો હતો. ૨૯ જૂને હાઈકોર્ટે થરાદની કોર્ટના મેજિસ્ટ્રેટ મોહિત શર્માને કપલ વચ્ચે મધ્યસ્થી કરાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ બંનેના સંબંધોમાં કટુતાનું કારણ જાણવાનું કહ્યું હતું.

બુધવારે હાઈકોર્ટને સૂચિત કરવામાં આવ્યું કે, પત્ની બાળકો અને પતિ સાથે સાસરે રહેવા માટે તૈયાર છે. જસ્ટિસ સોનિયા ગોકાણી અને એન.વી. અંજારિયાની બેન્ચે કપલનો ફરી મેળાપ કરાવવા બદલ મેજિસ્ટ્રેટની કામગીરીના વખાણ કર્યા હતા. હાઈકોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, કપલે યાદ રાખવું કે તેઓ માત્ર પતિ-પત્ની નથી પરંતુ માતા-પિતા પણ છે.

હાઈકોર્ટે કહ્યું, “કપલે હવે તેમના બાળકોની સાથે રહે છે ત્યારે તેમણે વધુ પરિપક્વતા અને દ્રઢતાથી વર્તવું પડશે. કારણકે તેમના વર્તનની બાળકોના જીવન પર ઊંડી અસર પડે છે. બાળકોના ભવિષ્યને કેવો આકાર આપવો છે તે માતા-પિતા પર છે કારણકે ઘર બાળકના જીવનની સૌથી મોટી અને મહત્વની શૈક્ષણિક સંસ્થા છે.” કપલે હાઈકોર્ટને બાંહેધરી આપી છે કે તેઓ એકબીજાનું સન્માન જાળવશે. હાઈકોર્ટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સૂચના આપી છે કે, તેઓ આગામી ૬ મહિના સુધી સમયાંતરે કપલને કોર્ટમાં બોલાવે અને તેમનું માર્ગદર્શન કરે. સાથે જ કપલનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે.

હાઈકોર્ટે કહ્યું, “આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થઈ શકે છે અને પતિ-પત્ની તરીકે સંબંધ મજબૂત બની શકે છે.” આ સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જા ભવિષ્યમાં ફરીથી કસ્ટડીનો વિવાદ ઊભો થાય તો બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને માતા સાથે મોકલવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.