ઘાટલોડિયાની સોસાયટીમાં કાર પાર્કિંગની બાબતે બબાલ
અમદાવાદ, અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ખીચાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે આ કાર્યક્રમ દરમિયાન સ્થિતિ એટલી વણસી ગઈ કે માહોલ રણભૂમિ સમાન બની ગયો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસને બોલાવવાની નોબત આવી હતી. પોલીસ આ ઘટનામાં વધારે તપાસ કરી રહી છે. ઘાટલોડિયામાં આવેલી સર્વોદય સોસાયટીના વિભાગ-૩માં ૪૨ વર્ષના અંકિતા હિરેનભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંજના ૬ વાગ્યાના સમયે તેમની સોસાયટીમાં રહેતા વિજયભાઈ આહિરના પત્ની દર્શનાબેન કાર લઈને અંકિતાબેનના મકાનની સામે કાર પાર્ક કરી રહ્યા હતા, જે દરમિયાન તેમના પતિ પણ કાર લઈને આવ્યા હતા અને દર્શનાબેનને પોતાની કાર પાર્ક થાય તે રીતે પાર્ક કરવા જણાવ્યું હતું.
પછી રાત્રે ૯ વાગ્યે ખીચું ખાવાનો કાર્યક્રમ હોવાથી બધા સોસાયટીમાં એકઠા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સોસાયટીમાં બધા એકઠા થયા હતા ત્યારે વિજભાઈ, તેમના ભાઈ ચિંતન આહિર તથા સસરા જયંતીભાઈ હિરેનભાઈ પટેલનું નામ લઈને જાેરજાેરથી ગાળો બોલી રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતા હેમલતાબેને તેમને ધીમેથી વાતો કરવા કહ્યું હતું, જેના કારણે તેઓ વધારે ઉશ્કેરાઈ ગયા હતા. આ પછી અંકિતાબેને તેમને ગાળો બોલવાની ના પાડી તો જયંતીભાઈએ તેમને લાફો મારી દીધો હતો. આ પછી હિરેનભાઈ પટેલ અને વિજયભાઈ આહીર વચ્ચે ઝઘડો વધી ગયો હતો.
આ ઝઘડા દરમિયાન બચકા ભરી લેવાની અને મંગળસૂત્ર તૂટવાની ઘટનાઓ પણ બની હતી. બીજી તરફ હિરેનભાઈના પરિવાર સામે જયંતિભાઈ આહિરે ફરિયાદ નોંધાવી છે. જયંતીભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પુત્ર લૉ-ગાર્ડન હતા ત્યારે પુત્રવધૂ દર્શનાબેને તેમને ફોન કરીને કાર પાર્ક કરવા બાબતે ગાળો બોલીને અસભ્ય વર્તન કર્યું હતું.