ઘાટલોડિયામાં પાણીની ટાંકી ધરાશયી : મહિલા ઇજાગ્રસ્ત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વખત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારી વિભાગ-૧ માં વર્ષો જૂની પાણીની ટાંકી આજે વહેલી પરોઢે અચાનક કકડભૂસ થઇ જમીનદોસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટાંકીના ધડાકા ભેર અવાજ સાથે ધરાશયી થવાથી આસપાસના લોકો ગભરાઇ ગયા હતા અને ત્યાં દોડી આવ્યા હતા.
જા કે, આ સમગ્ર દુર્ઘટનામાં એક યુવતીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વહેલી પરોઢે ટાંકી ધરાશયી થતાં અને એ સમયે લોકોની અવરજવર નહી હોવાથી બહુ મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારી વિભાગ -૧ની આ ધરાશાયી થયેલી ટાંકી વર્ષ ૧૯૯૩માં બની હતી. મોડી રાતે ૨.૩૦ વાગ્યે ટાંકી ઓવરફલો થઈ હતી. આસપાસ લોકો પાણીના ઓવરફ્લો થતા ભયમાં જ હતા. વહેલી સવારે ૪-૩૦ વાગ્યાની આસપાસ ટાંકી અચાનક જ તૂટી પડી હતી.
જેના કારણે જારદાર ધડાકાભેર અવાજ આવ્યો હતો અને આ અવાજથી સ્થાનિક લોકો એકદમ ગભરાઇ ગયા હતા. જા કે, વહેલી પરોઢે આ દુર્ઘટના ઘટી હોવાથી લોકોની અવરજવર નહી હોવાથી બહુ મોટી જાનહાનિ કે ઇજાના વાત નોંધાઇ ન હતી.
માત્ર એક યુવતીને ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બોપલની ટાંકી પડ્યા બાદ શહેરની જર્જરિત ટાંકીઓનો સર્વે કરી તોડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી પરંતુ ઘાટલોડિયાની આ ટાંકી ઉતારી લેવામાં તંત્રએ બેદરકારી દાખવી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, બોપલની ટાંકી પડ્યા બાદ ત્રણ-ત્રણ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી. ટાંકી વહેલી સવારે અને રજાના દિવસે ધરાશાયી થઈ છે. જા દિવસ દરમ્યાન પડી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત અને તેના માટે જવાબદાર કોણ ? તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા હતા.
આ પ્રકારની ઘટના ઓગસ્ટ મહિનામાં પણ ઘટી હતી. બોપલ-ઘુમા નગરપાલિકાના બિલ્ડીંગની બરાબર પાછળના ભાગમાં ૫૦ હજાર લિટરથી વધુની કેપેસિટી ધરાવતી ૩૨ વર્ષ જૂની જર્જરિત ટાંકી ધરાશાયી થઇ હતી. ગંભીર માનવીય બેદરકારીને લીધે બિચારા ત્રણ શ્રમજીવીઓએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો.