ઘાટલોડીયા- વેજલપુરના ૧પ તળાવો રૂા.૧ર૩.૮૬ કરોડના ખર્ચથી ડેવલપ થશે
કેન્દ્ર સરકારના એનપીસીએ પ્રોજેકટ અંતર્ગત કામગીરી થશે: કેન્દ્રીય મંત્રી અમિત શાહની સુચના બાદ તંત્ર હરકતમાં
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તેમજ ડ્રેનેજના ગંદા પાણીની આવક બંધ થાય તે માટે રાજય સરકાર અને મ્યુનિ. શાસકો છેલ્લા બે વર્ષથી પ્રયાસ કરી રહયા છે. પરંતુ મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા પણ આ અંગે અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ હજી સુધી તેના નક્કર પરીણામ મળ્યા નથી શહેરના તમામ તળાવો બારેમાસ પાણીથી ભરાયેલા રહે તે માટે રાજય સરકાર તરફથી “નમામિ નર્મદે” કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.
જેમાં ચંડોળા અને વસ્ત્રાપુર તળાવને નર્મદાના પાણીથી ભરવા માટે જાહેરાતો પણ થઈ હતી. પરંતુ આ આયોજન પણ લગભગ નિષ્ફળ સાબિત થયુ છે તેથી મ્યુનિ. કોર્પોરેશને ગાંધીનગર લોકસભા વિસ્તારના તળાવોને ડેવલપ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જેમાં ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભાના ૧પ તળાવોને કેન્દ્ર સરકારના એનપીસીએ પ્રોજેકટ અંતર્ગત ડેવલપ કરવા માટે નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે તેમના મતવિસ્તારની મુલાકાત દરમ્યાન તળાવોને ગંદકી-દબાણથી મુકત કરવા અને ડેવલપ કરવા પર વધુ એક વખત ભાર મુક્યો હતો જેના કારણે મ્યુનિ. અધિકારીઓ હરકતમાં આવી ગયા છે તથા ગાંધીનગર લોકસભાની નારણપુરા, સાબરમતી, વેજલપુર અને ઘાટલોડીયા વિધાનસભાના તળાવોનો સર્વે શરૂ કર્યો છે.
સુત્રોએ જણાવ્યા મુજબ ચાર વિધાનસભામાં અંદાજે ૩ર તળાવ છે જે પૈકી ૧૧ તળાવ ડેવલપ થઈ ગયા છે. જયારે ર૧ તળાવ ડેવલપ કરવાના બાકી છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સુચના બાદ ઈજનેર ખાતાના અધિકારીઓએ ર૧ તળાવોની સ્થળ મુલાકાત લીધી છે તેમજ તળાવોમાં ડ્રેનેજ પાણી માટેના ઈન્લેટ દુર કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ઈકો. ફ્રેન્ડલી વાતાવરણ જળવાય તે માટે ૧પ તળાવોને ડેવલપ કરવા નિર્ણય કર્યો છે.
મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સની એનપીસીએ યોજના હેઠળ ૧પ તળાવ ડેવલપમેન્ટના કામ કરવામાં આવશે જેના માટે રૂા.૧ર૩.૮૬ કરોડનો ખર્ચ થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે, તળાવ ડેવલપમેન્ટની કામગીરી બે ફેઝમાં કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં જે તળાવોને ડેવલપ કરવામાં આવશે તેમાં ગોતા તળાવ માટે ઝોન કક્ષાએથી ટેન્ડર મંજુર થયું છે.
કેન્દ્ર સરકારના એનપીસીએ પ્રોજેકટ અંતર્ગત તળાવ ડેવલપમેન્ટ માટે કુલ ખર્ચના લગભગ ૭૦ ટકા રકમ કેન્દ્ર સરકાર તરફથી મળશે. અગાઉ આ પ્રોજેકટ એનએલસીપી નામથી જાણીતો હતો. નવા એનપીસીએ પ્રોજેકટમાં ભેજવાળી જમીન અને તળાવ વિકાસ માટે કામ કરવામાં આવે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.