ઘાતક વાયરસના કેસો વધતા જરૂરી દવાઓનો સ્ટોક પૂરતો રાખવો! કેન્દ્રે રાજ્યોને નિર્દેશ આપ્યા
નવીદિલ્હી, કોરોના વાયરસના કેસોમાં વધારો થાય તો તે માટે પૂર્વતૈયારી કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કોરોનામાં વપરાતી આઠ જરૃરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા અને હોસ્પિટલોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી કોરોનાના કેસોમાં વધારો થવાની સ્થિતિમાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.
કેન્દ્રીય આરોગ્ય સચિવે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય સચિવો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય સચિવોને પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ, પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સેનટ્રેટર્સ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલા કેટલાક વેન્ટિલેટર્સનો ઉપયોગ થયો નથી. તેથી રાજ્યોને તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેન્ટિલટર્સ, પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સેનટ્રેટર્સ ચાલુ અવસ્થામાં છે કે નહીં.
રાજ્યોને કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ વધારવાની પણ તાકીદ કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં આરટી-પીસીઆર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવવામાં આવ્યું છે.
દેશમાં આજે કોરોનાના નવા ૯૪૧૯ કેસો નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩,૪૬,૬૬,૨૪૧ થઇ ગઇ છે. વધુ ૧૫૯ લોકોના મોત થતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૪,૧૧૧ થઇ ગયો છે.
કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૩૦.૩૯ કરોડને પાર થઇ ગઇ છે. ભારત ૩૧ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ ચાલુ રાખશે તેમ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ વધારવામાં આવ્યો છે.
જાે કે કાર્ગો ફલાઇટ ડીજીસીઆઇ દ્વારા મંજૂર કરાયેલી ફલાઇટ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. જાે કે બબલ એગ્રીમેન્ટ હેઠળની આંતરરાષ્ટ્રીય ફલાઇટો ચાલુ રહેશે.HS