ઘાયલોને બચાવવા માટે ગયેલી ઇમરજન્સી ટીમ પર ઇઝરાયેલે હુમલો કર્યાે

પેલેસ્ટિનિયનોના વિશાળ ટોળાએ ગાઝામાં નાસેર હોસ્પિટલની બહાર મૃત ડોકટરો અને ઇમરજન્સી કર્મચારીઓને દફનાવ્યા હતા
ઇઝરાયેલે ૧૫ પેલેસ્ટિનિયન ડોક્ટરોની હત્યા કરી હોવાનો UNનો આક્ષેપ
દેઇર અલ-બલાહ,
સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ઇઝરાયેલી સૈનિકો પર દક્ષિણ ગાઝામાં ૧૫ પેલેસ્ટિનિયન તબીબી સ્ટાફના લોકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. યુએનનો દાવો છે કે, પેલેસ્ટાઇનોએ આ તમામ તબીબી સ્ટાફને કબરમાં દફનાવ્યા હતા. આ વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત એમ્બ્યુલન્સો પણ મળી આવી હતી. એવો આરોપ છે કે ઇઝરાયેલી લશ્કરી બુલડોઝરોએ એમ્બ્યુલન્સ અને ડોકટરોના મૃતદેહને કચડી નાખ્યા હતા.UNનું કહેવું છે કે ૧૮ મહિના પહેલા ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલે ૧૦૦થી વધુ નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને ૧૦૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓને મારી નાખ્યા છે.
પેલેસ્ટિનિયનોના વિશાળ ટોળાએ ગાઝામાં નાસેર હોસ્પિટલની બહાર મૃત ડોકટરો અને ઇમરજન્સી કર્મચારીઓને દફનાવ્યા હતા. પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટે આરોપ લગાવ્યો હતો કે કામદારો અને તેમના વાહનો પર સ્પષ્ટપણે તબીબી નિશાનો હતા. આમ છતાં ઇઝરાયેલી સૈનિકોએ તેમને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે, ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેમણે અજાણ્યા શંકાસ્પદ વાહનો પર ગોળીબાર કર્યાે હતો.મૃતકોમાં આઠ રેડ ક્રેસન્ટ કર્મચારી, ગાઝાના નાગરિક સુરક્ષા ઇમરજન્સી યુનિટના ૬ સભ્ય અને પેલેસ્ટિનિયનો માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (UNRWA)ના એક કર્મચારીનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેશનલ રેડ ક્રોસ/રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે આ આઠ વર્ષમાં તેના કર્મચારીઓ પરનો સૌથી ઘાતક હુમલો હતો. ઇઝરાયલી દળોએ ૨૩ માર્ચે રફાહના તેલ અલ-સુલતાન જિલ્લામાં આક્રમણ શરૂ કર્યું હતું. હુમલામાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવા માટે પહોચેલી ઇમરજન્સી ટીમો ગુમ થઈ હતી. સેનાએ કહ્યું હતું કે હમાસના આતંકવાદીઓ અહીં છુપાયેલા છે. તે જ સમયે નાગરિક સંરક્ષણે એલર્ટ આપ્યું હતું કે વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ આ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેમના પર ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યાે હતો. ઇમરજન્સી ટીમ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ત્યારે ઇઝરાયલી સૈનિકોએ તેમને ઘેર્યા હતા.ss1