ઘાસચારા કૌભાંડ: 72 દિવસ બાદ આઝાદ થશે લાલુ યાદવ

નવી દિલ્હી, ચર્ચિત ઘાસચારા કૌભાંડમાં લાલૂ પ્રસાદ યાદવ ગમે તે સમયે આજે જેલની બહાર આવી શકે છે. ઘાસચારા કૌભાંડમાં જેલમાં રહેલા લાલુ હાલ પોલીસ કસ્ટડીમાં દિલ્હી એમ્સમાં સારવાર લઈ રહ્યા છે. રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આજે મુક્ત થઇ શકે છે. લાલુ પ્રસાદ મુક્તિ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે છેલ્લા 72 દિવસથી જેલમાં હતા.
જામીન અરજી મંજૂર થતાં અને તેમની તબિયત સારી હોવાથી તેમને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવશે. એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયા બાદ લાલુ દિલ્હીમાં તેમની પુત્રી મીસા ભારતીના ઘરે જશે. જ્યાં બે દિવસ રોકાયા બાદ તેઓ 30 એપ્રિલે પટના પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ અને એક-એક લાખના બે જામીન બોન્ડ ભર્યા બાદ લાલુની મુક્તિને મંજૂરી આપી હતી.
બિહારના પ્રખ્યાત ચારા કૌભાંડમાં ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં જેલમાં રહેલા લાલુને છ દિવસ પહેલા 22 એપ્રિલે જામીન મળી ગયા હતા. મંગળવારે વેબસાઈટ પર જામીનનો આદેશ અપલોડ થયા બાદ બુધવારે તેને ટ્રાયલ કોર્ટમાં ફેક્સ કરવામાં આવ્યો હતો. જે બાદ જામીન બોન્ડ અને દંડ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ આ દિવસોમાં પાર્ટીથી નારાજ છે. હાલમાં જ પાર્ટીની બેઠક બાદ RJD ના એક નેતાએ તેજ પ્રતાપ યાદવ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
જે બાદ તેજ પ્રતાપે ટ્વિટ કરીને પિતાને મળ્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું હતું અને માતા રાબડી દેવીના ઘરે શિફ્ટ થઈ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, તેજ પ્રતાપ યાદવ લાલુને મળવા માટે દિલ્હી આવી શકે છે. તેજ પ્રતાપના એક નજીકના સહયોગીએ મીડિયાને જણાવ્યું કે, તે દિલ્હીમાં જ તેના પિતાને મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ યાદવે ભૂતકાળમાં પણ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી છે. જો કે ભૂતકાળમાં લાલુને મળ્યા બાદ તેજ પ્રતાપનો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. આ વખતે પણ એવું જ કંઈક થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.