ઘાસના ભુકાની આડમાં ગાડીમાં ભરી લઈ જવાતો વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીનો સપાટો
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) થ્રેસરથી પીસેલા ઘાસના ભૂકાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આણંદ તરફ જઈ રહેલી પીકપ બોલેરો ગાડીને પીપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પાસેથી પકડી પાડી ગાડીમાંથી રૂપિયા ૪.૬૫ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા એક મોબાઇલ ફોન પકડી પાડી
રૂપિયા ચાર લાખની કિંમતની પીકપ બોલેરો ગાડી મળી કુલ રૂપિયા ૮,૬૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર મધ્ય પ્રદેશ બાજુથી થ્રેસરથી પીસેલા ઘાસના ભૂકાની આડમાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભરેલ જીજે.૦૫.બીએક્સ.૫૭૧૮ નંબરની પીકપ બોલેરો ગાડી આણંદ તરફ જનાર હોવાની ગુપ્ત બાતમી પીપલોદ પોલીસને મળી હતી.
જે બાતમીને આધારે પીપલોદ પોલીસ ગતરોજ સમી સાંજથી જ ભથવાડા ટોલનાકા પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોતી ઉભી હતી. તે દરમિયાન રાત્રિના પોણા આઠ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબર વાળી પીકપ બોલેરો ગાડી દૂરથી જ નજરે પડતા વોચમાં ઉભેલ પીપલોદ પોલીસ સાબદી બની હતી . અને નજીક આવતા જ પોલીસે તે બોલેરો પીકપ ગાડીને ઘેરી લીધી હતી.
અને ગાડીની તલાસી લઈ ગાડીમાં ભરેલ પીસેલા ઘાસના ભૂકાની આડમાં સંતાડીને મુકેલ રૂપિયા ૪,૬૫,૬૦૦/- ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ -૧૦૦ માં ભરેલ બોટલ નંગ ૪,૩૨૦ પકડી પાડી પીકપ બોલેરો ગાડીના ચાલક આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામના દરબાર ચોકમાં રહેતા અલ્પેશભાઈ અર્જુનભાઈ ચૌહાણની અટકાયત કરી
તેની પાસેથી રૂપિયા ૨૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન ઝડપી પાડી પકડાયેલ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ચાર લાખની કિંમતની પીકપ બોલેરો ગાડી મળી કુલ રૂપિયા ૮,૬૭,૬૦૦/- નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.