ઘોડાસરમાં કિશોરીના આપઘાતથી સનસનાટી
આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનો અને પાડોશીઓની પુછપરછ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ગઈકાલે વટવા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં એક ૧૬ વર્ષની કિશોરીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ઘરે પહોંચી જઈ કિશોરીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ઘોડાસર શિવપાર્ક સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની લક્ષ્મી ઉર્ફે નયના પ્રજાપતિ નામની કિશોરીએ પોતાના ઘરમાં બપોરના સમયે જ દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો પરિવારજનોએ લક્ષ્મીનો મૃતદેહ લટકતી હાલતમાં જાતા જ બુમાબુમ કરી મુકી હતી
જેના પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ ઘટનાની જાણ વટવા પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં ૧૬ વર્ષની કિશોરીએ આપઘાત કરી લેતા સ્થાનિક નાગરિકોમાં અરેરાટી ફેલાઈ હતી વટવા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર પી.એમ. દેસાઈ દોડી આવ્યા હતા અને તાત્કાલિક લક્ષ્મીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
કિશોરીએ કરેલ આપઘાતથી ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ કારણ જાણવા માટે પરિવારજનો તથા પાડોશીઓની પણ પુછપરછ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કારણ જાણવા મળ્યુ નથી બીજીબાજુ કિશોરીના આપઘાતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.