ઘોડાસર તળાવમાંથી ગેરકાયદેસર માછીમારી કરતા ચાર યુવકો ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો સીટીમાં સ્થાન મળ્યા બાદ અમદાવાદ શહેરમાં સમ્રાટ સીટીને લગતા તમામ ધારાધોરણો જાળવવાનો પ્રયાસ શરૂ કરાયો છે અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા અનેક પગલાંઓ ભરવામા આવી રહયા છે ખાસ કરીને તળાવોનો વિકાસ કરાયો છે.
આ દરમિયાનમાં અમદાવાદ શહેરના ઘોડાસર તળાવમાં કેટલાક શખ્સો દ્વારા રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે માછીમારી કરતા હોવાની સ્થાનિકોને જાણ થતાં જ ગઈકાલ મોડી રાત્રે નાગરિકોએ જાતે જ વોચ ગોઠવીને માછીમારી કરતા ચાર યુવકોને રંગેહાથ ઝડપી લીધા છે આ સમગ્ર કૌભાંડમાં તળાવનો સિકયુરિટી જવાન પણ સામેલ હોવાથી તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે નાગરિકોએ આ તમામને એક રૂમમાં માછીમારીના સાધનો સાથે પુરી દીધા હતા અને ત્યારબાદ પોલીસને બોલાવી તેઓને સોંપવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ઘોડાસર વિસ્તારમાં આવેલા જાણીતા તળાવમાં માછીમારી માટે પ્રતિબંધ મુકાયેલો છે અને તળાવ ફરતે સિકયુરિટીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઘોડાસર તળાવમાં રીક્ષામાં બેસીને કેટલાક શખ્સો આવતા હતા અને મધરાતે તળાવમાં જાળ નાંખીને માછીમારી કરતા હતા આ અંગેની જાણ સ્થાનિક નાગરિકોને થઈ હતી.
જેના પરિણામે છેલ્લા ત્રણ દિવસથી વોચ રાખવામાં આવી હતી. ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ સ્થાનિક નાગરિકો વોચમાં બેઠા હતા આ દરમિયાન એક રીક્ષામાં કેટલાક યુવકો આવ્યા હતા અને સિકયુરિટીના માણસની સાથે રહી તેઓએ તળાવમાં જાળ નાંખી માછીમારી કરવાની શરૂઆત કરી હતી.
આ દરમિયાનમાં સ્થાનિક નાગરિકોએ ચારેબાજુથી ઘેરો ઘાલી માછીમારી કરતા શખ્સોને પડકાર્યા હતાં મોટુ ટોળુ જાઈ માછીમારી કરતા શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક નાગરિકોએ ચાર જેટલા યુવકોને ઝડપી લીધા હતા.
તેઓની પાસેથી માછીમારી કરવાની જાળ સહિતના સાધનો કબજે કર્યાં હતા આ સમગ્ર કૌભાંડમાં ઘોડાસર તળાવનો સિકયુરીટી જવાન પણ સામેલ હતો તેથી સ્થાનિક નાગરિકોએ પકડાયેલા ચારેય શખ્સો અને સિકયુરીટી જવાનને તળાવની બાજુમાં આવેલી એક રૂમમાં પુરી દીધા હતા.
સ્થાનિક નાગરિકોએ જાતે જ ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સોને ઝડપી લીધા હતા જાકે રીક્ષામાં ચાર કરતા વધુ શખ્સો હતા બાકીના શખ્સો દુર બેઠા હતાં સ્થાનિક નાગરિકોએ કરેલી જનતા રેડથી આ શખસો ફરાર થઈ ગયા હતા બીજીબાજુ પકડાયેલા ચાર શખ્સો અને સિકયુરીટી જવાનને રૂમમાં પુર્યા બાદ આ અંગેની જાણ પોલીસ અધિકારીને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને માછીમારી કરતા શખ્સોને તથા સિકયુરિટી જવાનની અટક કરી લઈ જવામાં આવ્યા હતાં આ ઘટનાના પગલે પોલીસતંત્ર હવે એલર્ટ થઈ ગયું છે. ઘોડાસરની ઘટનાને પગલે સિકયુરિટી એજન્સી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે આ ઘટનાની ગંભીર નોંધ મ્યુનિ. કોર્પો.તંત્ર દ્વારા લેવામાં આવી છે.
બીજીબાજુ ભાગી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.