ઘોડા પર સ્ટંટ કરી રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા રવિવાર રાત્રીના અગિયાર વાગ્યાથી લઈ સોમવાર સવારના પાંચ વાગ્યા સુધી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ નાઈટ દરમિયાન રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ મથકના થાણા અમલદાર, ક્રાઈમ બ્રાન્ચ, એસોજી સહિતની બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા હતા.
ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડા પર સ્ટંટ કરી રહેલા એક સખ્શને ભક્તિનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
ભક્તિનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ઝાલા એ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ઝીરો-ટોલરન્સની નીતિ અંતર્ગત ગુજરાત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હુકમથી કોમ્બિંગ નાઈટ દરમિયાન હું તેમજ મારી ટીમ એસીપી એચએલ રાઠોડની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન સમીર ઈકબાલભાઈ લોદી પઠાણ નામના વ્યક્તિને બેફિકરાઈથી લગામ વગર ઘોડો ચલાવવા તેમજ જાહેર રાજમાર્ગ પર અન્ય કોઈ નાગરિકની જીંદગી જોખમાઈ-શારીરિક ઈજા પહોંચે તે પ્રકારે ઘોડો ચલાવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એલએલ ચાવડાએ પણ જણાવ્યું હતું કે,
રાજકોટ શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ધૂમ સ્ટાઈલાથી બાઈક ચલાવવા બદલ તેમજ વાહનોમાં ઘોંઘાટ ઉત્પન્ન થઈ શકે તે પ્રકારના હોર્ન લગાવવા બદલ મોટર વ્હિકલ એકટની કલમ ૨૦૭ અંતર્ગત પાંચ મોટર સાયકલના ચાલકને પકડી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.