ચંડોળા અને વટવા તળાવમાં નર્મદાના નીર આવવાથી ભૂગર્ભજળ આવશે ઉંચું
નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે તળાવોમાં સ્વચ્છ પાણી લાવી તેનો કરાશે સંગ્રહ – પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને પાણીજન્ય રોગોમાં થશે ઘટાડો
અહેવાલ – ગોપાલ મહેતા : ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થતાં અને નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચતા ગુજરાતનું જળસંકટ એકઝાટકે દૂર થઇ ગયું છે. નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતાં દરિયામાં વહી જતા પાણીને અન્ય જગ્યાઓ પર વાળીને રાજ્યના તમામ તળાવો ભરવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત નર્મદા ડેમમાંથી કેનાલમાં પાણી છોડી વિવિધ જિલ્લાના તળાવોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ઇસનપુરમાં આવેલું ચંડોળા તળાવ અને વટવા વિસ્તારમાં આવેલું વટવા ગામ તળાવમાં નર્મદાના નીર ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પહોંચાડવામાં આવ્યા છે.
ચંડોળા તળાવ અને વટવા ગામ તળાવની આજુબાજુના પંથકના રહીશોને પાણીની સમસ્યાનો ભોગ બનવું ન પડે તે માટે રાજય સરકાર દ્વારા વટવા વિસ્તારમાં આવેલું વટવા ગામ તળાવ અને ચંડોળા તળાવનું નવિનીકરણ કરીને લોકોપયોગી પગલું ભર્યું છે. જળસંગ્રહ અને જળસંચયના આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઇ વિભાગના સહયોગથી વટવા ગામના તળાવમાં અને ચંડોળા તળાવને નર્મદાની કેનાલ સાથે જોડવામાં આવ્યું હતું. હાલ રાજ્યભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે નર્મદા નદી પરનો સરદાર સરોવર ઓવરફ્લો થતાં તેના નીરથી આ આ બંને તળાવોને ભરવામાં આવી રહ્યું છે.
ઇનસપુર વિસ્તારમાં આવેલા ચંડોળા સિંચાઇ તળાવની વાત કરવામાં આવે તો ચંડોળા તળાવની સંગ્રહ શક્તિ ૧૧૦ એમ.સી.એફ.ટી છે. જ્યારે તેના સ્ટોરજ ડેપ્થની વાત કરીએ તો ૧૬ ફૂટ જેટલી છે. આ ઉપરાંત ફિડર કેનાલ ૧,૬૨૦ મી(૨૪૩ ક્યુસેક) છે, જ્યારે પરિઘ અંદાજિત ૪.૩ કિ.મીનો છે. જ્યારે વટવા વિસ્તારમાં આવેલા વટવા તળાવની સંગ્રહ ક્ષમતાની વાત કરવામાં આવેલ તો આશરે ૭૫૦ લાખ લીટર છે. જેમાં નાખવામાં આવેલી લાઇનની કુલ લંબાઇ ૯૫૫ રનીંગ મીટર છે.
ચંડોળા તળાવ અને વટવા ગામ તળાવમાં નર્મદાના નીર આવવાથી તળાવમાં જતું ગંદુ પાણી અટકાવી, તેમા ફક્ત લોકોને ઉપયોગી બની રહે તે માટે નર્મદા કેનાલનું જ સ્વચ્છ પાણી લાવી તેનો સંગ્રહ કરવામાં આવશે. જેના કારણે પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને પાણીજન્ય રોગોમાં ઘટાડો થશે.
જ્યારે વટવા ગામ તળાવને સરકારશ્રીના ઇરિગેશન કેનાલના વધારાના પાણીથી ભરવા માટે કેનાલથી વટવા ગામ તળાવ સુધી આર.સી.સી બોક્ષ (૯૦૦૦ એમ.એમ, એક્સ ૭૦૦ એમ.એમ) તેમજ ૯૦૦ એમ.એમ.ડાયાની આર.સી.સી પાઇપ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી છે. જેના કારણે વટવા તળાવ બારેમાસ પાણીથી ભરી શકાશે. આ સાથે આજુબાજુના વિસ્તારોના ભૂગર્ભજળ સ્તર ઉંચું આવશે. આ ઉપરાંત આવનારા સમયમાં પાણીના સંગ્રહથી મનોરંજન માટેનું વાતાવરણ લોકોને મળી રહેશે.