ચંપારણ સત્યાગ્રહના દસ્તાવેજી પુસ્તક ‘થમ્બ પ્રિન્ટેડ’નું વિમોચન
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘થમ્બ પ્રિન્ટેડ’ કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલજી દ્વારા વિમોચન
અમદાવાદ, દેશને સ્વતંત્ર થયેલ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા(રાષ્ટ્રીય અભિલેખાગાર) દ્વારા ત્રણ પુસ્તકો અને ઉપરાંત ‘અભિલેખ પટલ’ નામની એપનું લોન્ચ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે 20 જૂન 2022ના રોજ બપોરે 12 વાગ્યે યોજાયો હતો. ત્રણ પુસ્તકોમાં પ્રથમ છે : ‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’, બીજું ‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’ અને ત્રીજું ‘અભિલેખોં કા પરિરક્ષણ ઓર પ્રતિસંસ્કાર’. આ ત્રણેય પુસ્તકો વિમોચન માનનીય કેન્દ્રિય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલજી દ્વારા કરવામાં આવ્યા હતાં. એપનું લોન્ચિંગ પણ શ્રી અર્જુન રામ મેઘવાલજીએ કર્યુ હતું.
‘થમ્બ પ્રિન્ટેડ : ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-1’નામનું પુસ્તક ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગળીની ખેતી કરનારાં ખેડૂતોનું ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓને આપેલી જુબાનીઓનું દસ્તાવેજીકરણ સ્વરૂપ છે.
આવી સાતેક હજાર ખેડૂતોનું જુબાનીઓ રાષ્ટ્રિય અભિલાગારમાં સુરક્ષિત છે તે પૈકી ત્રણસો જેટલી આ પ્રથમ ખંડમાં સમાવવામાં આવી છે. આ પુસ્તક ગળી ખેડૂતોના જુબાનીથી ચંપારણ સત્યાગ્રહની વધુ સૂક્ષ્મ બાજુ મૂકી આપે છે. ખેડૂતોની આ જુબાનીથી જ તેમને ન્યાય અપાવવા ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ કરવા પ્રેરાયા હતા.
જુબનીઓ મૂળ ભોજપુરીમાંથી ત્યાં ને ત્યાં જ અંગ્રેજીમાં અનુવાદ કરીને રેકોર્ડ બનાવવાવાળી બાહોશ વકીલોની ફોજમાં એક નામ બાબુ રાજેન્દ્રપ્રસાદ પણ હતું, જેઓ આગળ ચાલીને હિન્દુસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ થયા. ચંપારણમાં તીનકઠીયા પ્રથાથી પીડિત ગળીની ખેતી કરતા ખેડૂતોની દર્દનાક સ્થિતિનું તાદૃશ ચિત્ર ખડું કરે છે.
ચંપારણ સત્યાગ્રહના અભ્યાસમાં આ પુસ્તક અનિવાર્ય બની રહેશે. નવજીવન પ્રકાશિત આ પુસ્તક ઇતિહાસકાર શાહિદ અમીન, પ્રો. ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડી દ્વારા સંપાદિત છે.
‘રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ’નામનું પુસ્તક એક ઉપયોગી પુસ્તક છે જેથી દસ્તાવેજીકરણનું આયોજનનો બહોળો ખ્યાલ આપે છે. અને આવા દસ્તાવેજો સુરક્ષિત રીતે સચવાય તે અર્થે તેમાં આવતી સમસ્યાનો ઉકેલ પણ આપે છે. આ પુસ્તકમાં દસ્તાવેજ થયેલાં સંગ્રહની સાચવણી,
સમયાંતરે ઉપયોગ, પ્રદર્શની અને એક સ્થળેથી બીજી જગ્યાએ કેવી રીતે મોકલી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. સાથે સાથે આ પુસ્તક આ પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના ઉપાયો પણ સૂચવે છે. રાષ્ટ્રીય અભિલેખાગાર (નેશનલ આર્કાઇવ્સ ઑફ ઈન્ડિયા) પોતાના વેબપોર્ટલ https://www.abhilekh-patal.in/jspui/ની મોબાઈલ એપ્લિકેશન ‘અભિલેખ પટલ’નું પણ ઉદ્ઘાટન થયું હતું.
‘અભિલેખ પટલ’ દ્વારા અભિલેખાગારના ૩૩ લાખ પાનાંઓમાં ઇન્ફર્મેશન સર્ચ કરી શકાશે. એમાં દૈનિક ૪૦૦૦૦ પાનાંઓ ઉમેરાઈ રહ્યા છે. એપ્લિકેશનમાં ૨૭ લાખથી પણ વધુ રેફરન્સ મીડિયાનો સંગ્રહ પ્રાપ્ય થશે જેને અત્યાર સુધી ૨૦૨ દેશોના ૧૦,૦૦૦થી પણ વધુ યુઝર્સ તેની વિઝિટ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઈલ સેવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો તેના પ્રારંભકાળ (7 સપ્ટેમ્બર, 1919)થી જ પત્રકારત્વ સાથે નિકટનો સંબંધ રહ્યો છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હંમેશ માટે હિંદુસ્તાન પાછા ફર્યા ત્યારે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળ અંગે જાગૃત્તિ આણવા તેમને એક ગુજરાતી ભાષાના સામયિકની જરૂરિયાત વર્તાઈ. એ જરૂરિયાતની આપૂર્તિ તરીકે ગાંધીજીએ નવજીવનનો પ્રારંભ કર્યો.
આઝાદીની લડત દરમિયાન શરૂ થયેલા ‘નવજીવન’ સામયિકના પાનાં અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે; અને તેના દ્વારા જ ગાંધીજી પોતાના વિચાર રજૂ કરતાં રહ્યાં. ‘નવજીવન’ સામયિકનો પત્રકારત્વનો કાર્યકાળ દોઢ દાયકાનો રહ્યો તેમાં જે પત્રકારત્વ થયું તે પ્રજાલક્ષી રહ્યું.
આજે પણ ગાંધીજી અને તેમના સહસાધકોના સાહિત્યના પ્રચાર-પ્રસારની કામગીરી નવજીવન દ્વારા અવિરત ચાલી રહી છે. નવજીવન ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં અત્યાર સુધી 2000થી વધુ પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યું છે, જેમાં ગાંધીજીની આત્મકથામાં દેશના 18 ભાષાના અનુવાદ પણ સામેલ છે.
નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા કેન્દ્રિય સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત છે. તેની સ્થાપના 11 માર્ચના રોજ 1891માં કોલકાતા ખાતે થઈ હતી, ત્યારે તે ઇમ્પિરિયલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટના નામે ઓળખાતું હતું. 1911માં જ્યારે દેશની રાજધાની કોલકત્તાથી દિલ્હી થઈ તે પછી હાલનું નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાની ઇમારતનું નિર્માણ 1926ના સાલમાં થયું. આ ઇમારતની ડિઝાઈન જાણીતાં આર્કિટેક સર એડવિન લ્યુટઇન્સ દ્વારા કરવામાં આવી હતી. 1937માં કલકત્તાથી દિલ્હીથી તમામ દસ્તાવેજો પહોંચડવાનું કાર્ય પૂર્ણ થયું હતું.
નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા વર્તમાનમાં 18.50 કરોડ જાહેર દસ્તાવેજોનો સંગ્રહ ધરાવે છે. તેમાં મહત્ત્વની ફાઈલ્સ, ગ્રંથો, નકશાઓ, રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર થયેલાં કાયદાઓ, મહત્ત્વના કરાર, અલભ્ય હસ્તપ્રત, ગેઝેટના મહત્ત્વનાં સંગ્રહ, વસ્તી ગણતરીના દસ્તાવેજ, સંસદ અને ધારાસભાઓમાં થયેલી ચર્ચાઓ, કેટલીક પ્રવાસ ડાયરી અને અન્ય મહત્ત્વના સાહિત્યનો સચવાયેલી છે.