#CycloneRemal: ચક્રવાતનો સામનો કરવા ભારતીય નૌસેના તૈયારઃ બંગાળમાં રેડ એલર્ટ
પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકશે તેવી સંભાવના, જેને લઈને તંત્ર એલર્ટ
કોલકાતા, ચક્રવાત રેમલને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રેમલ આજે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પહોંચે તેવી શક્યતા છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રેમલ ઉત્તર બંગાળની ખાડી પર તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. સાઇક્લોન રેમલની અસર કોલકાતામાં દેખાવા લાગી છે. કોલકાતામાં વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠે ૧ મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલને લઈને પ્રારંભિક કામગીરી શરૂ કરી દીધી છે. વિશ્વસનીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રતિસાદ શરૂ કરવા માટે હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓને અનુસરી બચાવ કામગીરી હાથ ધરાઈ છે. નેવલ હેડક્વાર્ટર ખાતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચક્રવાત રેમલ તીવ્ર બનવાની ધારણા છે. તે સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ અને ખેપુપારા, બાંગ્લાદેશમાં ત્રાટકશે તેવી સંભાવના છે.
આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાત ‘રેમલ’ એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. ‘રેમલ’ પર નજર રાખવા માટે સુંદરબનમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.આ પ્રી-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ, ચક્રવાત ‘રેમલ’ રવિવારે સવારે ૮ વાગ્યે ઉત્તર બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં પરિણમ્યો હતો.
ચક્રવાતને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની ૧૨ ટીમો બનાવવામાં આવી છે. આ સાથે કોલકાતામાં ૧૫ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો બનાવવામાં આવી છે. કોલકાતા પોલીસની દરેક ૧૦ ડિવિઝનમાં એક ટીમ છે. લાલબજારમાં બે ટીમો અને પોલીસ ટ્રેનિંગ છે. દરેક ટીમમાં ૭ સભ્યો છે. તેમની પાસે વૃક્ષો કાપવા માટે આરી સહિત તમામ જરૂરી સાધનો છે.
કંટ્રોલ રૂમ પહેલેથી જ ઉભો કરવામાં આવ્યો છે. કટોકટીના કિસ્સામાં કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૦ અને (૦૩૩) ૨૨૧૪ ૩૫૩૫ પર સંપર્ક કરી શકાય છે. ૨૨ મેના રોજ બંગાળની ખાડીમાં શરૂઆતમાં એક લા પ્રેશર સિસ્ટમ જોવા મળી હતી, જે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જે હાલમાં મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. આઈએમડી અનુસાર, પશ્ચિમ બંગાળ તેમજ અન્ય પૂર્વોત્તર રાજ્યો જેમ કે ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે.
રેમલ વાવાઝોડાના કારણે સિયાલદાહ અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના નામખાના, કાકદ્વીપ, સિયાલદહ-ઉત્તર ૨૪ પરગણાના હસનાબાદ વચ્ચે ચાલતી ટ્રેન સેવા સોમવાર સુધી બંધ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લા માટે ૨૬મી અને ૨૭મી મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રેમલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ રવિવાર બપોરથી ૨૧ કલાક માટે વિમાન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.