ચરાડવા ખાતે મહાકાળી આશ્રમમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અને રુદ્રયાગ ધર્મોત્સવ
શાસ્ત્રો-પુરાણો અને મહાપુરુષો આપણા જીવનને સ્વસ્થ બનાવીને નવી ચેતના અને ઊર્જા આપે છે.
વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયેલ ખેડૂતોને સરકારના ધારાધોરણો મુજબ સહાયતા ચૂકવવામાં આવશે. – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમ મધ્યે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ગત તા.૨૯ ઓકટોબર થી ચાલતા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અને રુદ્રયાગ ધર્મોત્સવનો મોટી સંખ્યામાં ભાવિકજનો લાભ લઇ રહ્યા છે.
આ ભજન, ભોજન અને ભકિતના ધર્મોત્સવના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ પ્રસંગે આયોજીત ધર્મસભામાં ઉદ્દબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આપણા શાસ્ત્રો, પુરાણોની કથા અને જ્ઞાન આપણને જીવન જીવવા નવી ચેતના તથા સારા કાર્યો કરવા પ્રેરે છે. તેમજ જીવનમાં નવી ચેતના અને ઊર્જા મળતી હોય છે. આપણો ભવ્ય ઇતિહાસ, પૂરાણો, ગીતા અને મહાપુરુષો આપણા જીવનને સ્વસ્થ બનાવી નિરાશા દૂર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સંત શ્રી દયાનંદગીરીબાપુ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી સારા કાર્યો કરી રહ્યા છે તેમની સાધના અને આશીર્વાદથી સુખ સમૃદ્ધિ આ વિસ્તારને પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ગાય, ગંગા, ગીતા અને ગાયત્રીની ઉપાસના દ્વારા આપણે ભારતને દિવ્ય બનાવવા જઇ રહ્યા છીએ. ભારત માતા જગત જનની અને સામર્થ્યશાળી બને તે માટે સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્રને લઇને આગળ વધી રહ્યા છીએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે અવિતરત પુરુષાર્થ કરી રહ્યા છે.આ તકે વધુમાં તેમણએ ઉમેર્યું હતું કે, ગુજરાત પાણીદાર બને અને નવી પેઢી માટે દુષ્કાળ ભૂતકાળ બને તે માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની મહત્વાકાંક્ષી સૌની પરિયોજનાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવશે.
ગુજરાત રાજ્ય રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બને, ગુજરાત વ્યસન મુક્ત, શિક્ષિત અને દિક્ષિત બને અને ભવ્ય ગુજરાત દ્વારા ભારતના વિકાસને આગળ વધારવા આપણે કટિબદ્ધ બનીએ તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવા વર્ષમાં સારા કામો કરવા શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય અને ગુજરાતની ઉન્નતિ માટે કામો કરીશું તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે માવઠા-વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન થયેલ હશે તેઓને પાકવીમા યોજના સંદર્ભમાં તેમજ જેમણે પાક વીમો લીધો નથી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકારના નોર્મસ મુજબ સહાયતા ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર વીમા કંપની સાથે ફોલોઅપમાં છે અને બધાને ન્યાય મળશે.
આ ધર્મમ સભા પૂર્વે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી મહાકાળી આશ્રમની દર્શનાર્થે મુલાકાત લઇ શ્રી મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા અને પૂ. દયાનંદગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જામખંભાળીયાની અને આંબાવાડી કલાવૃંદ દવારા બાવન બેડાના રાસ-ગરબા અને ૫૦૧ દિવડાની આરતી કરી પ્રસ્તુત કરી હતી.
આ ધર્મોત્સવનો કાર્યક્રમ કથાકારશ્રી કશ્યપભાઇ જોષી અને શ્રી દર્શનભાઇ રાવલના આચાર્યપદે યોજાઇ રહ્યો છે જે આવતી કાલે તા. ૪ નવેમ્બરના રોજ વિરામ લેશે. આ કથા દરમ્યાન બપોરે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાઇ છે.
આ પ્રસંગે કથા આયોજન સમિતિ તથા આઠ ગામોના ગ્રામજનોના પ્રતિનિધિ અને માલધારી સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પોથીનું પૂજન-અર્ચન કર્યું હતું.
આ પ્રસંગે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજ, રાજકોટ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વેશ્રી પરસોતમભાઇ સાબરીયા, લલીતભાઇ કગથરા, અકિલા સાંધ્ય દૈનિકના મેનેજીંગ તંત્રીશ્રી કિરીટભાઇ ગણાત્રા, પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રધુભાઇ ગડારા, મહામંત્રી સર્વેશ્રી જયોતીસિંહ જાડેજા, હિરેનભાઇ પારેખ, જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરણરાજ વાધેલા, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન પી. જોષી, પ્રાંત અધિકારીશ્રી ગંગાસિંહ મામલતદાર વી.કે. સોલંકી તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા ભાવીક ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.