ચાંદખેડાના ટ્યુશન શિક્ષકને દસ વર્ષની જેલની સજા કરાઈ
ટીચરે એકલતાનો લાભ લઈને છોકરીને બેભાન કરીને તેના વિચિત્ર ફોટા પાડી પછી તેને ફસાવવાનું શરૂ કર્યું હતું
ગાંધીનગર, ટ્યુશનમાં આવતી સગીરા પર બળાત્કાર ગુજારીને તેને ડરાવવા ધમકાવવાના ગુનામાં શિક્ષકને ૧૦ વર્ષની જેલની હવા ખાવાની સજા ફટકારવામાં આવી છે. સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને નપાવટ શિક્ષક વારંવાર તેને શિકાર બનાવતો હતો, શિક્ષક પર આરોપ સાબિત થયા બાદ તેને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
ચાંદખેડામાં બનેલી ઘટના પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ૧૬ વર્ષની છોકરીને ટ્યુશનના શિક્ષક પ્રકાશ ઉર્ફે પકો બાબુભાઈ પટેલે પોતાનો શિકાર બનાવ્યો હતો, આ ઘટના બાદ આરોપી શિક્ષક સામે પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રકાશના ત્યાં જનતાનગરમાં તેના જ ઘરે ટ્યુશન બંધાવ્યું હતું.
આરોપી પ્રકાશ પટેલે વિદ્યાર્થિનીને પોતે ઘરે એકલો હતો ત્યારે ડિફિકલ્ટી લેક્ચરનું કહીને પાણીમાં કેફી દ્રવ્ય આપીને બેભાન કરી દીધી હતી. આ પછી તેણે સગીરાના ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા. આ પછી બીજા દિવસે છોકરી ટ્યુશનમાં ગઈ ત્યારે શિક્ષકે એક દિવસ અગાઉ કરેલી કરતૂત તેને બતાવી. આરોપીએ પોતાના રોયલ અલ્ટીઝા ખાતેના ઘરે બોલાવીને પણ કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું.
ડિસેમ્બર ૨૦૧૬ના દિવાળી વેકેશનમાં આરોપી જબરજસ્તી વિદ્યાર્થિનીને પોતાની કારમાં મહેસાણા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો, આ પછી પણ આરોપી જનતાનગરના પ્રકાશ પટેલે કિશોરીને વીડિયો બતાવીને વારંવાર તેને શિકાર બનાવીને વીડિયો વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે પોલીસે પોસ્કો હેઠળ કેસ નોંધ્યા બાદ ગાંધીનગરની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આરોપી સામે કડક દલીલ કરવામાં આવી અને આરોપીને સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજાની માંગ કરવામાં આવી હતી, જેમાં આરોપીને ૧૦ લાખની જેલની સજા અને પીડિતાને ૧ લાખ રુપિયા વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો.