ચાંદખેડાના વેપારીનું અપહરણ કરી માર મારી પાંચ લાખની ખંડણી મંગાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ખંડણીખોરોનો આતંક શહેરમાં ખુબ જ વધ્યો છે. શહેરમાં નાના-મોટા વેપારીઓને માર મારી-ધમકાવીને તેમની પાસે ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. જેના પગલે અમદાવાદના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ સ્થિતિમાં સાબરમતી વિસ્તારમાં વધુ એક વેપારીને ત્રણ શખ્સોએ ભેગા મળીને માર મારીને અપહરણ કર્યુ હતુ. તથા તેની પાસેથી રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરી હતી. બાદમાં તેને પોલીસને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વિક્કી લક્ષ્મણભાઈ પરિહર ‘ધરતીનગર ફલેટ’ ત્રાગડ રોડ, ચાંદખેડા ખાતે રહે છે.પોતે ધરતીનગર ફલેટમાં જ શર્મા સોલ્યુશન નામની દુકાન ધરાવે મકાન લે-વેચનોં વ્યવસાય કરે છે. તે અવારનવાર વૈષ્ણોદેવી સર્કલ નજીક જાગણી માતાના મંદિર પાસે આવેલા મિત્ર ઉજાસ પટેલના ફાર્મ હાઉસ ઉપર બેસવા જતા હતા. જ્યાં અન્ય લોકો ઉપરાંત જયપાલસિંહ બિહોલા (ચાંદખેડા) સોનુસિંહ શેખાવત (ચાંદખેડા) તથા અંકિત નામના શખ્સો પણ આવતા હતા.
રવિવારે વિક્કીભાઈ ઘાટલોડીયા ખાતે હતા ત્યારે સાંજે જયપાલસિંહે તેમને ફોન કરીને ઉજાસ પટેલના ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા. જ્યાં જતાં જયપાલ ઉપરાંત સોનુંસિંહ, અંકિત અને અન્ય શખ્સો પણ હાજર રહ્યા હતા. ત્યારે વાત કરતા કરતા અચાનક સોનુસિંહે અચાનક જ વિક્કીભાઈ પાસે પાંચ લાખની માંગણી કરી હતી અને અંકિત તથા અન્ય શખ્સોએ તેમને લાકડીઓ વડે તથા ગડદાપાટુનો માર મારવાનો શરૂ કર્યો હતો.
દરમ્યાનમાં વિક્કીભાઈએ જયપાલસિંહને પોતાને બચાવવાનું કહેતા ‘હું આમાં નહીં પડુ’ તેમ કહીને હાથ અધ્ધર કરી જાતો રહ્યો હતો. દરમ્યાનમાં ફાર્મ હાઉસ ઉપર વિક્કીભાઈના મિત્ર સંદિપ સુરેન્દ્રસિંહ આવ્યા હતા. મિત્રને માર મારતા જાઈને તે છોડાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ આ તમામ શખ્સોએ લાકડીઓ બતાવી તેમને પણ મારવાની ધમકી આપી હતી. જેથી સંદિપભાઈ જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા.
અસહ્ય માર સહન ન થતાં વિક્કીભાઈએ બુમાબુમ કરતાં ખંડણીખોર ટોળકીએ તેમનું મોં દબાવી રાખ્યુ હતુ. બાદમાં તેમનું કારમાં અપહરણ કરીને ફેરવ્યા હતા. તથા ફાર્મહાઉસથી નીકળી ઝુંડાલ સર્કલ થઈ અડાલજ તરફ જતા નર્મદા કેનાલ નજીક અવોલી ગોકુલ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે ઉતારી દીધા હતા. અને પોલીસને જાણ કરી તો મારી નાખવાની ધમકીઓ આપી હતી.
બાદમાં પોતાના ભાઈને ફોન કરીને વિક્કીભાઈ હોસ્પીટલ પહોંચ્યા હતા. જ્યાં સારવાર કરાવીને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. વેપારીના અપહરણ અને ખંડણીનો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી અને તમામની અટક કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.