ચાંદખેડામાંથી વીમા એજન્ટનું અપહરણ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓની હારમાળ સર્જાઈ છે. શહેરનાં ચાંદખેડા વિસ્તારમાંથી એક વીમા એજન્ટનો અપહરણ થયાંની ફરિયાદ નોંધાતાં જ પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયાં છે અને આરોપીઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરીના કારણે ગુનેગારો બેફામ બનવાં લાગ્યાં છે. પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યાં છે પરંતુ અપહરણ જેવી ઘટનાઓમાં પોલીસ વધુ સતર્કતા દાખવીને કેસનો ઉકેલ લાવતી હોય છે.
આ પરિસ્થિતિમાં શહેરનાં ચાંદખેડા વિસ્તારમાંથી એક યુવકનો અપહરણ થયાંની ઘટના બહાર આવી છે. અપહરણકારોએ યુવકના મોંઢા ઉપર કપડું બાંધીને ઉઠાવી ગયાં હતાં. પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ યુવક વીમા એજન્ટ છે અને કેટલાંક પરિચિત શખ્સોએ જ તેનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ આ અંગેની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અને આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં તથા શહેરભરની પોલીસને જાણ કરતાં નાકાબંધી કરી ચેકીંગ શરૂ કરી દેવામાં આવી છે. અંગત અદાવતમાં આ યુવકનો અપહરણ થયાનો મનાઈ રહ્યું છે. પોલીસે આ ઘટનામાં ખંડણી લેવા આવેલા એક અપહરણકારને ઝડપી લીધા બાદ તેની પૂછપરછને આધારે વધુ પાંચ આરોપીઓ ઝડપાયા હતા અને યુવકનો હેમખેમ છૂટકારો થયો હતો.