Western Times News

Gujarati News

ચાંદખેડામાં ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ

સ્ક્રીન પર કેમેરા હોવાનું અનુમાન લગાવી તસ્કરોએ કાળી ટેપ મારી : પોલીસ તપાસ શરૂ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ પોલીસ શહેર સુરક્ષીત હોવાના ફીફા ખાંડી રહી છે અને વાહનચાલકોને તથા રાહદારીઓને દંડીને મોટી રકમ વસુલ કરીને પોતાની ફરજ પુરી કર્યાનો સંતોષ માની સોશીયલ મિડીયા ઉપર તેના ફોટો વિડીયો અપલોડ કરી વાહવાહી લુંટવામાં વ્યસ્ત છે બીજી તરફ લુખ્ખા તત્વો, ચોરો અને તસ્કરો શહેરમાં બેફામ ઘુમી રહયા છે.

અમદાવાદનો એક પણ વિસ્તાર બચ્યો નથી જયાં ચોરોએ પોતાની કળા ન બતાવ ીહોય, આ સ્થિતિ  પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કઈ રીતે થતું હશે તેની ચાડી ખાય છે

અમદાવાદ પોલીસ તંત્રની આવી જ સુરક્ષા વચ્ચે શહેરના ચાંદખેડા વિસ્તારમાં તસ્કરો એક એટીએમમાં ઘુસી તેને તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે રાત દરમિયાન એટીએમના શટરનું તાળું તોડયા બાદ એટીએમ મશીન પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જાકે તસ્કરો તેમાં ફાવી ન શકતા ચોરીનો પ્રયત્ન નિષ્ફળ રહયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમની વિગત એવી છે કે મોટેરા ખાતે વિઠ્ઠલ વાઈબ્રન્ટ કોમ્પલેક્ષમાં ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ આવેલી છે જેનું એટીએમ બહારની તરફ આવેલુ છે રવિવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ એટીએમના સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ રબારી તાળુ મારીને ગયા હતા બાદમાં મધરાત્રે કેટલાંક તસ્કરો હથિયારબધ્ધ ત્રાટક્યા હતા અને એટીએમના શટરના તાળાં તોડીને અંદર ઘુસ્ય હતા બાદમાં એટીએમ મશીન તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જાકે ઘણા પ્રયત્નો છતાં તસ્કરો એટીએમ મશીન તોડવામાં નિષ્ફળ રહયા હતા જેથી સિફતપૂર્વક એટીએમના શટર ફરીથી બંધ કરીને નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે સિકયુરીટી ગાર્ડ પરત ફરતા શટરના તુટેલા તાળા જાઈને આ અંગેની જાણ થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસને પણ જાણ કરવામાં આવતાં તે પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે અને સીસીટીવી કુટેજ મેળવીને તસ્કરોની ભાળ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે દરમિયાનમાં બહાર આવ્યુ છે કે એટીએમની સ્ક્રીન ઉપર કેમેરો લગાવેલો હોવાનુ અનુમાન લગાવી તસ્કરોએ ત્યાં કાળી પટ્ટીઓ મારી હતી ચાંદખેડા પોલીસે એફએસએલ તથા અન્ય ટીમો બોલાવીને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અગાઉ પણ તસ્કરો દ્વારા એટીએમ મશીનો તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં કેટલાંકમાં તસ્કરો સફળ પણ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.