ચાંદખેડામાં કારના કાચ તોડી ચોરી કરનાર ઝડપાયો
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસત હાઇવે પર ર્પાકિંગમાં રહેલી કારના કાચ તોડી ચોરી થતી હોવાના બનાવોમાં વધારો થતાં પોલીસ ચોર ટોળકીને શોધી રહી હતી. પણ ચોર તો પોલીસ કરતા પણ બે કદમ આગળ ચાલતા હતા. આખરે કંટાળીને પોલીસે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. પોલીસે પોતાની જ પ્રાઇવેટ કાર જ્યાં ચોરી વધારે થાય છે ત્યાં પાર્ક કરી હતી અને તેવામાં જ ડિકોય ગોઠવી હતી. ડિકોય ગોઠવી તે દરમિયાન જ એક ચોર ત્યાં આવતા જ પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ચાંદખેડા પોલીસસ્ટેશનમાં છેલ્લા એક જ મહિનામાં ૧૫થી વધુ ગુના કારના કાચ તોડી ચોરી થઇ હોવાના નોંધાયા છે. જેથી ચાંદખેડાનો ડીસ્ટાફ આ ચોર ટોળકીને પકડવા પ્રયાસ કરતો હતો. પણ ચોર પકડાતા ન હતા. આખરે પોલીસે અનોખી રીતે ડિકોય ગોઠવી હતી. પોલીસ રોજેરોજ પેટ્રોલીંગ કરી વોચમેનોને સાથે રાખીને ચોર પકડવા પ્રયાસ હાથ ધર્યા હતા પણ ચોર પકડાતા ન હતા. જેથી પોલીસે પોતાની સફેદ રંગની એક કાર ચાંદખેડાના ડીનર પોઇન્ટ હોટલની ગલીમાં પાર્ક કરી હતી.
બાદમાં સ્ટાફના માણસો છુટા છવાયા વોચમાં ગોઠવાઇ ગયા હતા. તેવામાં જ એક શખ્સ મોઢે રૂમાલ બાંધીને ડિસમિસથી કાચ તોડી ચોરી કરવા જતો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી મિતેશ ઉર્ફે ચિન્કુ પાનવેરકરની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેણે અનેક ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.